સુરત : ઓલપાડ તાલુકામાં ઘણા સમયથી અવાર નવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. હવે તસ્કરો ઓલપાડ તાલુકાના ખેતરાડી સીમમાંથી અવાર નવાર ઈલેકટ્રોનિક મોટરની ચોરી કરવા લાગ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે ખેતરમાંથી બોરિંગ પરથી ઈલે. મોટો તથા ખાતરની ગુણ, લોખંડની એંગલ વગેરે સામાનની ચોરી થયાનો મામલો સામે આવ્યો છે.
ચોરી મામલે ખેડૂતોએ કરી રજૂઆત : આ મામલે સાંધીએર ગામના ખેડૂતોએ આજરોજ ઓલપાડ પોલીસ મથકના PI સી. આર. જાદવને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ચોરી કરનાર અને ચોરીની વસ્તુઓ વેચનાર-લેનાર તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ કરવા માટે ખેડૂત અગ્રણી દર્શન નાયક, જયેન્દ્ર દેસાઈ, ભરતભાઈ તેમજ સનતભાઈ સહીતના ખેડૂતોએ રજૂઆત કરી હતી.
ઈલેકટ્રોનિક મોટરની ચોરી : આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સાંધિયા ગામના ખેડુત ખાતેદારોનું જણાવવાનું કે અમારા ગામે ખેતર ઉપર બોરિંગમાં પાણી માટે સિંચાઈની વ્યવસ્થા માટે ઈલે.મોટર ફીટ કરી છે. છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ખેતરમાંથી ઈલે. મોટરની ચોરી થઈ ગઈ છે. જે માટે કેટલાક ખેડુતોએ અગાઉ ફરિયાદ પણ કરી છે. હમણાં તો મોટા પ્રમાણમાં મોટરની ચોરી થવાથી ખેડૂતોને પાક બચાવવા માટે પાણીની પણ તકલીફ થઈ ગઈ છે.
ખાતર અને લોખંડ પણ ગાયબ : આ ઉપરાંત ખાતરની ગુણ તથા લોખંડની એંગલોની પણ ચોરી થઈ ગઈ છે. દિવસે ને દિવસે આ ચોરીનો ઉપદ્રવ વધતો જાય છે, જેથી ખેડૂતો પર મોટી આફત આવી પડી છે અને ખેડુતો 28 લાખો રૂપિયાના દેવામાં ડૂબી ગયા છે. ખેડુતો રાત દિવસ મહેનત કરે અને આવા અસામાજીક તત્વો કાયદો અને વ્યવસ્થાની ગણના કર્યા વગર ચોરી કરે છે. ત્યારે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડવા માટે ઘટતું કરવા તમામ ખેડુત ખાતેદાર જણાવે છે.
ખેડૂતોની માંગ : સાંધીએર ગામના તમામ ખેડુતની ફરીયાદ દાખલ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ચોરી કરનાર તમામ લોકોને પકડી ખેડૂતોના હિતમાં જલ્દીથી પગલા લેવા અનુરોધ કર્યો છે. ચોરીનો સામાન ઈલે.મોટર, ખાતર, લોખંડની એંગલ વિગેરે તમામ ચોરી કરનાર અને વેચનાર લેનારને તમામને કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ કરવા રજૂઆત કરી હતી.