અમદાવાદ : ગુજરાત ન્યાય યાત્રા ગતરોજ બપોરે ઝુંડાલ સર્કલ પર વિરામ લઈ કેશવ બંગલો ખાતેથી સંવિધાન ચોક ચાંદખેડા ખાતે પગપાળા જવાની હતી. જે વરસાદ આવતા રદ કરી અને વાહનોમાં યાત્રા સાથે જોડાયેલા લોકો બેસી અને સીધા સંવિધાન ચોક ચાંદખેડા ખાતે પહોંચ્યા હતા.
ચાંદખેડામાં યોજાઈ સંવિધાન સભા : ચાંદખેડાના સંવિધાન ચોક ખાતે સાંજે 6 વાગ્યે એક જાહેર સંવિધાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવિધાન સભામાં ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવી ત્યારબાદ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, વડોદરા હરણી કાંડ, સુરત તક્ષશિલા કાંડ અને મોરબી ઝુલતા પુલ સહિતની દુર્ઘટનાના પીડિત પરિવાર પણ હાજર હતા. જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા તેમને જાહેર સભા સંબોધી અને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
ગુજરાત ન્યાય યાત્રા સમાપ્ત : સંવિધાન સભામાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા, ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રીબેન, શૈલેષ પરમાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, અમિત ચાવડા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ રાષ્ટ્રીય મીડિયા સેલના ચેરમેન પવન ખેરા, પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ, AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ, રામકિશન ઓઝા સહિત કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા.
આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે-આ અંત નથી, આરંભ છે : પાલ આંબલીયા
આ તકે લાલજી દેસાઈએ કહ્યું કે, સરકારમાં ન્યાય આપવાની તેવડ ન હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે. પાલ આંબલીયાએ કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પીડિત પરિવારોને ફોન કરે છે કે, તમારે રાહુલ ગાંધીને નથી મળવાનું. ભાજપ માત્રને માત્ર લોકોને ગુમરાહ કરે છે. આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે-આ અંત નથી, આરંભ છે.
આ તકે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, 20 વર્ષ સુધી કોઈ કેસનો નિકાલ નથી આવતો. પીડિતોની એક જ માંગણી છે, દારૂ જુગારના ધંધામાંથી ન કમાતા હોય તેવા IPS ને અથવા CBIને તપાસ સોપો. જો વડાપ્રધાન દિવસોમાં 3 જોડી કપડાં બદલે છે તેનો ખર્ચ 25 લાખ છે અને પીડિતોને માત્ર 4 લાખ વળતર તે કેમ ચાલે ? આપણા બધાનો એક જ પ્રયત્ન હોવો જોઈએ એક પીડિતને આપણે બધા સાથે મળીને ન્યાય ન અપાવી શક્યા તો આપણું જીવવું વ્યર્થ છે.
પવન ખેરે જણાવ્યું કે, આ યાત્રા ન્યાય અપાવવા માટેની યાત્રા છે, આને અલ્પવિરામ લાગે પૂર્ણવિરામ નહીં. આ 138 વર્ષ જૂની યાત્રા છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે, ત્યાં સુધી ચાલશે. ગુજરાતને નજર લાગી છે, કોઈકને તો આ નજર હટાવવી પડશે, આ નજર કોંગ્રેસ પાર્ટી હટાવશે. તમે કોઈ નાની વસ્તુ ખરીદો તો તમારે GST આપવું પડે છે, પણ ગૌતમ અદાણી જયપુરનું એરપોર્ટ ખરીદે છે તો તેમને GST નથી આપવું પડતું. આ અન્યાય નહીં તો બીજું શું છે ?