રાજકોટ: શહેરમાં એક વેરિફાયડ સોશિયલ મીડિયાનાં એકાઉન્ટ મારફતે સોશિયલ મીડિયા પર એવી જાહેરાત કરવામાં આવી કોઈપણ પ્રકારનાં ટ્રાયલ કે ટેસ્ટ આપ્યા વિના અમુક ચોક્કસ રકમ ભરીને તમે દ્વિચક્રી વાહન કે કોઈપણ ફોર-વ્હીલર વાહન ચલાવવાનું લાયસન્સ પ્રાપ્ત કરી શકો છો. આ જાહેરાત વાયરલ થઈ અને સર્જાયો હાહાકાર, મીડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. કોઈએ સ્ટિંગ ઓપરેશન કર્યા તો કોઈ સીધા પહોંચી ગયા રાજકોટ સ્થિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ.
સોશિયલ મીડિયાની ભ્રામક જાહેરાત: સોશિયલ મીડિયા પર વાયરલ એક ભ્રામક જાહેરાતે રાજકોટ સ્થિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં હાહાકાર મચાવી દીધો. ખુલ્લમ-ખુલ્લા આવી જાહેરાત સાચી હોય તેવું લોકોને ત્યારે લાગ્યું જ્યારે રાજકોટ સ્થિત પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરીમાં ટ્રાયલ્સ કરાવીને પછી લાયસન્સ આપવા વાળી જગ્યા સાવ સુમસાન અને ભૂત રડે ભેંકાર જેવું ભાસતું હતું. તેમજ તે ટેસ્ટ ડ્રાઈવિંગ ટ્રેક પર કાગડાઓ ઉડી રહ્યા હતા, અંતે લાગતા વળગતા અધિકારોએ આ મુદ્દે ખુલાસો કર્યો અને મીડિયા સમક્ષ વાત કરીને સ્પષ્ટતા કરી કે, આવી રીતે ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં નથી આવતા તેમજ આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
અસલ મુદ્દો: આ મુદ્દે સંલગ્ન કચેરીનાં કોઈ અધિકારીઓ સંડોવાયેલા તો નથી એ મુદ્દે પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. એવા કોઈ અધિકારીઓની સંડોવણી આ મુદ્દે સાબિત થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્થાનિક અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ડ્રાઈવિંગ લાયસન્સ માટેની જરૂરી ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રક્રિયા વિષે પણ આ અધિકારીએ પ્રકાશ પાડતા એ વાત પર ભાર મુક્યો હતો કે, રાજકોટ સ્થિત કચેરીમાં ટ્રાયલ લીધા વિના આ રીતે કોઈ લાયસન્સ આપવામાં આવતા નથી, અમે આવા કોઈ પણ પ્રકારની જાહેરાત કરાવી નથી.