બનાસકાંઠા :અમદાવાદથી આંગડિયા પેઢીનો કર્મચારી થેલામાં અંદાજિત દોઢ કિલો સોનું લઈને રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો. ત્યારે છાપી નજીક આવેલ ભરકાવાડા પાટિયા નજીક ખાનગી હોટલ પર બસ નાસ્તા પાણી માટે ઊભી રહી હતી. તે દરમિયાન બે શખ્સો બસમાં ચડ્યા હતા અને સોનું ભરેલા થેલાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે બે શખ્સો થેલો લઈને ભાગતા નજરે પડે છે.
ઘટના સીસીટીવીમાં કેદ: ફરિયાદીએ છાપી પોલીસને જાણ કરી હતી. છાપી પોલીસે ફરિયાદીની પૂછપરછ કરતા અંદાજિત દોઢ કિલો જેટલા સોનાની લૂંટ થઈ હોવાનું હાલ તો સામે આવ્યું છે. પોલીસે ફરિયાદી સાથે ઘટના સ્થળેથી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનીકલ સર્વેન્સના આધારે તપાસ આરંભી દીધી છે. સીસીટીવીમાં દેખાતા બે શખ્સો દ્વારા લૂંટ કરાઈ હોવાની આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે બંને શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભરકાવાડા પાટિયા નજીક આવેલી આ ખાનગી હોટલ પર આ અગાઉ પણ લૂંટની ઘટના બની ચૂકી છે. ફરી એકવાર આ જ હોટલ પર દોઢ કિલો સોનું એટલે કે અંદાજિત એક કરોડથી વધુની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.
એક કરોડથી વધુની લૂંટ: મળતી માહિતી મુજબ અમદાવાદના રતનપુર વિસ્તારમાં આવેલી પટેલ રાજેશકુમાર છગનલાલ આંગડિયા પેઢીના કર્મચારી સાથે આ ઘટના બની છે. લૂંટની સમગ્ર ઘટના બાદ છાપી પોલીસ મથકે ફરિયાદીની પૂછપરછ અને લૂંટ થયેલ સોનાની વિગતો મેળવવા માટેની કાયદાકીય પ્રક્રિયા છાપી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે દોઢ કિલો સોનું એટલે કે અંદાજિત એક કરોડથી વધુની લૂંટ કરી ફરાર થયેલા બે શખ્સો પોલીસ પકડમાં ક્યારે આવે છે અને પોલીસ તપાસમાં ખરેખર લૂંટની શું વિગતો બહાર આવે છે તે જોવું રહ્યું.