અમદાવાદ: થોડા સમય પહેલા કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર તેમને મળતા સ્ટાઈપેન્ડના મુદ્દે આજે હડતાળ પર ઉતર્યા છે. આજ અનુસંધાને શહેરની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલ ખાતે તમામ OPD સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.
રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરની હડતાલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કેમ્પસમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઈપેન્ડ મામલે ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવાનું તથા સ્ટાઈપેન્ડ દર 3 વર્ષે વધારવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. 1 લાખથી વધુની રકમનું સ્ટાઈપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અન્ય રાજ્યોમાં આપતા સ્ટાઈપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઈપેન્ડ વધુ છે.
ગુજરાતમાં 1 વર્ષનો બોન્ડ: વધુમાં અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં 1 જ વર્ષનો બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડરૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે.જુનિયર ડોક્ટર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સશાંક અસારા એ ETV BHARAT સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓની પૈસા માટેની લડાઈ નથી. તેઓના સ્વાભિમાન માટેની લડાઈ છે. જે 40 ટકા વધારો દર વખતે દેવામાં આવતો હતો તે ઓછો કરીને માત્ર 20 ટકા દેવામાં આવ્યો છે. અમે એવું નથી કહેતા કે પૂરતો 40% નો વધારો આપો. પરંતુ સાવ 20% ટકાનો વધારો પણ અમને માન્ય નથી.
40 % વધારાની માંગ સાથે હડતાલ: બીજે મેડિકલ કોલેજના પીજી ડિરેક્ટર ડૉ. મીનાક્ષી પરીખે જણાવ્યું કે, શનિવારે સાંજે સાંજથી જ રેસીડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા આવેદનપત્ર આપીને સોમવારે હડતાલ કરવાની ચીમકી આપવામાં આવી હતી. પરંતુ આ યોગ્ય નથી. દિલ્હી સિવાય બધા રાજ્યો કરતા વધારે ગુજરાત રાજ્યની અંદર રેસિડેન્ટ ડોક્ટરને સ્ટાઈપેન્ડ મળે છે. તે ઓછું ન કહેવાય સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે, જે પ્રકારે આ રેસિડેન્ટ ડોક્ટર 40% વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. દર 3 વર્ષે 40% નો વધારો કરવો તેવો કોઈ ઠરાવ કરવામાં આવેલો નથી.
110 મેડીકલ ઓફિસરને ફરજ પર મૂકાયા: પીજી ડોક્ટરે જણાવ્યું કે, અમે તેમની સાથે વાટોઘાટો કરીને હડતાલનો અંત આવે તે પ્રકારની કોશિશ કરી રહ્યા છીએ. સાથે દર્દીઓને હાલાકી ના ભોગવવી પડે તે માટે પણ અમે 110 જેટલા મેડિકલ ઓફિસરને તેમના સ્થાને ફરજ માટે મૂક્યા છે. 1100 જેટલા રેસીડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો જ્યારે હડતાલ પર છે. ત્યારે તેમની સામે 110 મેડિકલ ઓફિસરોનો આંકડો ઓછો કહેવાય પરંતુ ઇમરજન્સીમાં અને જે લોકો વોર્ડની અંદર દાખલ છે. લોકોને હાલાકી ન ભોગવવી પડે તે બાબતની અમે તકેદારી લઈ રહ્યા છીએ.
રેસિડેન્ટ્સને સ્ટાઈપેન્ડમાં કેટલો વધારો?: સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસિડન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 તેમજ ડેન્ટલ રેસિડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496, ફિઝિયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.
દર્દીઓને હેરાન કરવા શું યોગ્ય?: સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી એ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્ટાઇપેન્ડના વધારા માટે દર્દીઓને હેરાન કરવા તે યોગ્ય ન કહેવાય. અમે પૂરતી કોશિશ કરીને દર્દીઓને હાલાકી ના ભોગવી પડે તે માટે પ્રયાસો કરી રહ્યા છીએ. વારંવાર રેસીડેન્ટ ડોક્ટર સાથે સંવાદ કરીને હડતાલનો અંત આવે તે પ્રકારની પણ કોશિશ ચાલુ છે. જો સાંજ સુધીમાં હડતાલનો સુખદ અંત નહીં આવે તો અમે ગાંધીનગર પત્ર લખીને વધુ મેડિકલ ઓફિસની માંગ કરીશું. જેથી સારવાર માટે આવતા લોકોને કોઈપણ પ્રકારે હાલાકી નો સામનો ના કરવો પડે. સાથે તેમણે એ પણ વાત કરી કે આ જ બપોરે 1:00 વાગ્યા સુધીમાં 2913 ઓપીડી નોંધાઈ છે.
સત્તાધીશો દ્વારા વાટોઘાટો શરુ: અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે, જે દર્દીઓને ઇમર્જન્સી છે. ઓપરેશન કર્યા વગર ચાલે તેમ નથી. તેમની તાત્કાલિક સારવાર થાય અને જે લોકોના ઓપરેશન શેડ્યુલ કરેલા છે અને સારવાર મોડી મળે તો ચાલે એમ હોય તેઓને નજીકની કોઈ બીજી તારીખ આપવામાં આવે. રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાલ હજુ ચાલું છે અને બીજે મેડિકલના સતાધીશો દ્વારા વાતાઘાટો પણ શરૂ છે. રેસિડેન્ટ ડોક્ટરોનું કહેવું છે કે, જ્યાં સુધી કોઈ ચોક્કસ ઠરાવ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું.
રેસીડેન્ટ ડોક્ટર્સની હડતાળમાં નવો વળાંક: સવારથી જ બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ અને જુનિયર ડોક્ટર્સ સ્ટાઈપેન્ડ બાબતે હડતાળ પર ઊતર્યા હતા. ત્યારે તમામ ઇમર્જન્સી સિવાયની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. બીજે મેડિકલ કોલેજના સત્તાધીશો સાથે વાતાઘાટો બાદ પણ કોઈ સુખદ નિવારણ ન આવતા હડતાળ યથાવત રાખી હતી. ત્યારે બીજે મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા કાલે સવારે 9:00 વાગ્યા સુધીમાં હડતાળ પૂરી કરી પોતપોતાની ફરજે જોડાવા જણાવ્યું છે અને જો તે પ્રકારે નહીં કરવામાં આવે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: