નવસારી: પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના કૌભાંડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિજિલન્સ ટીમ નવસારી પહોંચી છે. સ્થાનિક અધિકારી કર્મચારીઓ સાથે બેઠક બાદ જિલ્લામાં થયેલા કામોની પણ તપાસ થશે. ત્યારે બે વર્ષથી પોતાના બાકી બીલો મેળવવા માટે કચેરીના ધક્કા ખાતા વાંસદાના કોન્ટ્રાક્ટરો અધિકારીઓને રજૂઆત કરવા નવસારી પહોંચ્યા છે.
પાણી પુરવઠા વિભાગના તત્કાલીન કાર્યપાલક ઇજનેર દલપત પટેલ તેમજ તેમના નીચેના અધિકારી કર્મચારીઓએ કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં 9 કરોડનું કૌભાંડ આચર્યું છે. જેની ખાતાકીય તપાસ બાદ સુરત cid ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે. ત્યારે ચકચારીત બનેલા આ કૌભાંડમાં પાણી પુરવઠા વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને આજે જુનાગઢ અને રાજકોટના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં 38 અધિકારી, કર્મચારીઓનો ફાફલો નવસારીમાં ઉતારી તપાસ આરંભી છે. જેમાં આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી છે. દરમિયાન વિજિલન્સ ટીમ તપાસ અર્થે નવસારી હોવાની જાણ થતા વાંસદા તાલુકામાં કુવાના કામ કરનાર કોન્ટ્રાક્ટરો નવસારી આવી પહોંચ્યા છે. જેઓ પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ છે બે વર્ષથી તેમના લાખો રૂપિયાના બીલ બાકી છે. માર્ચ 2023 અગાઉ વાંસદા તાલુકામાં અંદાજે 209 જેટલા કામો થયા હતા. જેના અંદાજે 16.40 કરોડથી વધુના બીલના ચૂકવણા બાકી છે. જેતે સમયે કાર્યપાલક ઇજનેર દલપત પટેલ દ્વારા કામો મંજૂર કરાવી વર્ક ઓર્ડર પણ આપ્યા હતા. પરંતુ બાદમાં બીલ ચૂકવવામાં ફંડ ન હોવાની વાતો કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરોએ ગાંધીનગર સુધીના ધક્કા ખાધા પણ બે વર્ષ થયા તેમ છતાં હજી સુધી તેમના બાકી બીલના નાણાં મળ્યા નથી. જેમાંના એક કોન્ટ્રાક્ટર બારૂક ચૌધરીએ 7.88 લાખનો એક કૂવો, એ પ્રમાણે ચાર કુવા બનાવ્યા હતા. જેનું કામ પૂર્ણ પણ થયું છે, તેમ છતાં તેમના બીલ ચૂકવાયા નથી. કોન્ટ્રાક્ટરોને રૂપિયા ન મળતા મજૂરોના અને મટીરીયલ સપ્લાયર્સના રૂપિયા પણ હજુ આપી શક્યા નથી, જેઓ ઉઘરાણી કરે છે અને તેના કારણે માનસિક ત્રાસ થઈ રહ્યો છે. ત્યારે જે કામ થયા નથી, તેના કરોડો રૂપિયા અધિકારીઓએ કેટલાક કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા તો અમે કામ પૂર્ણ કર્યા છે, તો અમારા બાકી નીકળતા બીલના રૂપિયા વહેલા ચૂકવવામાં આવે એવી માંગ સાથે આ કોન્ટ્રાક્ટરો સરકાર પાસે આશા રાખી રહ્યા છે.