ખેડા: આજે લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ છે. સરદાર પટેલનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા તેમના મોસાળમાં થયો હતો. આ સ્થળે સરદાર પટેલની કેટલીક વસ્તુઓ સચવાયેલી છે. આ સ્થળની મુલાકાત લઈને લોકો આજે પણ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે.
સરદાર પટેલનું જન્મસ્થળ
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તા. 31-10-1875 ના રોજ નડિયાદ ખાતે થયો હતો. તેમનું જન્મસ્થળ નડિયાદ શહેરના દેસાઈ વગા વિસ્તારમાં આવેલું છે. જ્યાં તેમનું ઘોડિયું આજે પણ સચવાયેલું છે. સમગ્ર વર્ષ દરમિયાન આ સ્થળની લોકો મુલાકાત લે છે અને સરદાર સાહેબ વિશે જાણે છે. અહીં સરદાર સાહેબની ઐતિહાસિક તસવીર પણ છે, જેના પર તેમણે 1950 માં સહી કરી હતી. તેના બે માસ બાદ તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઐતિહાસિક તસવીર પણ તેમના જન્મસ્થાને આજે પણ સચવાયેલી છે.
ગાંધીજી અને સરદારની આગેવાનીમાં ખેડા સત્યાગ્રહ
વર્ષ 1918 માં અંગ્રેજ સરકારે ખેડૂતો પર અન્યાયી અને આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો આકરા કરવેરા ભરી શકે તેવી સ્થિતિમાં નહોતા. જેને લઈ ગાંધીજી અને સરદાર પટેલની આગેવાનીમાં ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. આ સત્યાગ્રહને પરિણામે અંગ્રેજ સરકાર ઝૂકી હતી અને કરવેરો માફ કર્યો હતો. તેમજ કરવેરાનો વધારો પાછો ખેંચ્યો હતો. ઉપરાંત અંગ્રેજોને લોકોની જપ્ત કરેલી સંપત્તિ પણ પરત કરવી પડી હતી.
અમને ખૂબ ગૌરવ છે: સ્થાનિક
સરદાર સાહેબના ઘરની પડોશમાં રહેતા મનિષભાઈ દેસાઈએ જણાવ્યું હતુ કે, આજે 31 ઓકેટોબર બરાબર દોઢસો વર્ષ પહેલા આ ઘરમાં ભારતની લોખંડી પુરૂષ મહાન સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. આ તેમનું મોસાળ છે. તેમના બા લાડબાઈનું ઘર છે. અહીંયા તેઓનો જન્મ થયો હતો. તેઓ મોટા થયા હતા. પ્રાથમિક શિક્ષણ પણ નડીયાદમાં જ લીધું હતુ. આ વિસ્તારના હોવાથી અમને ખૂબ ગૌરવ છે. સરદાર સાહેબ જે માટીમાં રમ્યા હતા અમને પણ એ જ માટીમાં રમવાનો મોકો મળ્યો. તે બાબતનું અમને ખૂબ ગૌરવ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું ત્યારથી હવે આખું વર્ષ દેશ અને દુનિયામાંથી લોકો અહી મુલાકાત લેવા આવે છે. સરદાર સાહેબ વિશે જાણે છે. અહીં આવી સરદાર સાહેબ વિશે પૂછપરછ કરે છે અને જાણીને ધન્યતા અનુભવે છે.
સરદાર સાહેબ જેવા યુવાનો બને તેવી આશા સાથે પુષ્પાંજલિ
સરદાર ધામ ખેડા જીલ્લાના કન્વિનર સમીર પટેલે જણાવ્યું હતુ કે, લોહપુરૂષ સરદાર સાહેબનું જન્મ સ્થળ છે નડીયાદ. સરદારધામની ખેડા જીલ્લાની અમારી ટીમ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવા અહીં આવી છે. અમે આવનારા સમયમાં સરદારધામ થકી દેશને સરદાર સાહેબ જેવા યુવાનો મળી રહે અને દેશને ઉત્તરોત્તર પ્રગતિ મળી રહે તેવી આશા સાથે અમે અહી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી છે.
આ પણ વાંચો: