જુનાગઢ: 25 તારીખ અને શનિવારની સમી સાંજે નાના મૌવા સર્કલ નજીક આવેલા ટીઆરપી ગેમ ઝોનમા ભયાનક આગ લાગી હતી. જેમાં 27 જેટલા નિર્દોષ લોકો આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. જેમાં વેરાવળના વિવેક અને ખુશાલી દૂસારા પતિ પત્નીનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ ત્રણ દિવસે મૃતક પતિ પત્નીના ડીએનએ ટેસ્ટ મળી આવતા પતિ પત્નીના મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ગઈ કાલે રાત્રિના 12:00 વાગ્યાની આસપાસ વિવેક અને ખુશાલી દૂસારાની અંતિમયાત્રા વેરાવળ સ્મશાન ખાતે પહોંચી હતી. ત્યારે ખૂબ જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
ત્રણ દિવસની વલોપાત બાદ અંતિમ સંસ્કાર: મૂળ વેરાવળના વિવેક દુસારા અને તેમની પત્ની મનોરંજન સાથે વેકેશનનો સમય પસાર કરવા માટે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. ત્યારે અચાનક લાગેલી આગમાં યુવાન પતિ પત્નીનું મોત થતા સમગ્ર વેરાવળ પંથકમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી હતી. આગની ઘટના બાદ વેરાવળમાં રહેતા વિવેક દુસારાના પિતા અશોકભાઈ દુસારા અને સમગ્ર પરિવાર ભારે આક્રંદમાં હતો. ત્રણ દિવસ સુધી તેમના પુત્ર અને પુત્ર વધુની સ્થિતિ શું છે તે જાણવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે ડીએનએ ટેસ્ટમાં તેના પુત્ર અને પુત્રવધુનું આગમાં બળીને મોત થયું છે તેવા ખૂબ જ હચમચાવી નાખે તેવા સમાચાર દૂસારા પરિવારને પ્રાપ્ત થયા હતા. ત્યાર બાદ ગઈ કાલે નીકળેલી તેમની અંતિમયાત્રામાં પણ ભારે શોક સાથે લાગણીસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. વિવેક અને ખુશાલી દુસારાની અંતિમયાત્રામાં સ્વયંભુ લોકો જોડાઈને અગ્નિકાંડમાં અવસાન પામેલા પતિ પત્નીને અંતિમ વિદાય આપી હતી.