અમરેલી: તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં ડિજિટલ એરેસ્ટથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી હતી. ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલમાં જ રાજકોટમાં પણ નિવૃત્ત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા અને તેમની સાથે ઠગાઈ કરીને 56 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી લીધી છે.
ડિજિટલ એરેસ્ટની સમગ્ર ઘટના પર નિવૃત્ત બેંક મેનેજર મહેન્દ્ર મહેતાએ સમગ્ર ઘટના જણાવી હતી કે કેવી રીતે તેમને સાયબર ઠગોએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. બાદમાં તેમના ખાતામાં રૂ 2.5 કરોડ છે અને તેનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો હોવાનું કહીને ડરાવ્યા ધમકાવ્યા હતા. આટલું જ નહીં તેમના નામનું અરેસ્ટ વોરંટ કઢાયું છે તેમ કરીને ડિજિટલ એરેસ્ટ કરીને કલાકે કલાકે ફોટાઓ પાડીને માનસિક સ્ટોચર પણ કર્યા હતા.
ઘટના અંગે મહેન્દ્ર મહેતાએ કહ્યું કે, મને દર બે કલાકે ફોન કરવાનું કહી સવાર બપોર સાંજ વોટ્સએપ ઉપર ફોટા મંગાવતા હતા અને કટકે કટકે રૂપિયા 56 લાખ પડાવ્યા હતા. જોકે પૈસા પડાવી લીધા બાદ આરોપીઓ તરફથી તેમના કેસ અંગે કોઈ ફોન ન આવતા આખરે તેમણે પોતાના પૌત્રને આ અંગે વાત કરી હતી. જેણે આ સમગ્ર સ્કેમ હોવાનું તથા તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું.
હાલ તો પોતાની જીવનની તમામ બચત મૂડી આ રીતે ગુમાવી દેતા નિવૃત બેંક મેનેજર મહેન્દ્ર મહેતા ખૂબ જ નિરાશ છે અને આ મામલે સાયબર ફ્રોડમાં પણ તેમણે ફરિયાદ નોંધાવી હતી. સાથે જ તેમણે આવા સાયબર ફ્રોડથી બચવા દરેકને સાવધાન રહેવાની પણ અપીલ કરી હતી.
આ પણ વાંચો: