રાજકોટ : જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામના ગ્રામજનો તેમજ નાની પરબડી, ફરેણી રોડ ઉપર આવેલ બસો જેટલા ખેડૂતોને ખેતરમાં જવા માટે રેલવે દ્વારા જૂની સાંકળીથી નાની પરબડી અને ફરેણી તરફ જવા માટે એક નાળું બનાવવામા આવી રહ્યું છે. અહિયાં જે નાળું બનાવવામા આવી રહ્યું છે તેમાં ફક્ત એકજ રસ્તો બનાવવામા આવી રહ્યો હોવાથી સ્થાનિકો રોષે ભરાયા હતા.
ભૂલભરેલી ડિઝાઇન : ગ્રામજનોના જણાવ્યા મુજબ રેલવે દ્વારા જે નાળું બનાવવામા આવી રહ્યું છે તે ખુબજ નાનું છે અને એકજ રસ્તો જવા આવવા માટે બનાવવામા આવેલ છે અને આ નાળામા કોઈજ પ્રકારના પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઈને દર વખતે ચોમાસામા આજુબાજુ ગામનું, રસ્તાનું અને વરસાદનું પાણી નિકાલ અહીંથી પસાર થાય છે અને ચોમાસામા આ રેલવેનું નાલું પાણીમા ગરકાવ થઈ જશે તેવું જણાવ્યું છે.
ચોમાસામાં પાણીની સમસ્યા થશે : સ્થાનિકોએ જણાવ્યું છે કે, રેલવે દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ અને આ નાલાની અંદર ફક્ત જવા આવવા એકજ રસ્તો બનાવ્યો છે જે બની રહેલ રસ્તો પણ સાકડો છે. મોટુ વાહન આવે તો નાના વાહનોને ઉભું રહેવું પડશે અને ખુબજ તકલીફ પડશે. ત્યારે સરપંચ દ્વારા રેલવે પ્રસાશનને લેખિતમા પણ રજુઆત કરી છે. પરંતુ રેલવે દ્વારા બીજા રસ્તાની મંજૂરી નથી આપતાં અને જૂની સાંકળીથી નાની પરબડી જવા માટે નાળાની અંદરથી ફરી-ફરીને જવું પડશે અને ચોમાસામાં પાણીની સમસ્યાને કારણે બસો જેટલા ખેડૂતોના ખેતર આવેલ હોઈ ખેડૂતના બળદ ગાડા પણ નહીં ચાલી શકે.
બે ગામના લોકોને મુશ્કેલી પડશે : રેલવે દ્વારા બનાવેલ નાળામા બે અલગ-અલગ રસ્તા બનાવવામા આવે તો નાની પરબડી અને ફરેણી જવા માટે ખેડૂતોને તકલીફ નહીં પડે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. ત્યારે અહિયાં રેલવે દ્વારા એકજ રસ્તો બનાવતા જૂની સાંકળીના ગ્રામજનો અને ખેડૂતો રેલવે દ્વારા નવા બની રહેલ નાલા પાસે એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલવેના કોન્ટ્રાકટર્રને બંને બાજુ રસ્તો બનાવવા રજુઆત કરી હતી.
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી : અહિયાં જ્યાં સુધી બંને બાજુ રસ્તો નહીં બનાવે ત્યાં સુધી કામ નહીં થવા દઈ તેવું કહેતા રેલવે દ્વારા પોલીસને બોલાવી હતી અને ગ્રામજનો સાથે વાતચીત કરેલ અને કહેલ કે આપની રજુઆત હોઈ તે લેખિતમા રેલવે પ્રસાશનને આપો. ત્યારે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતાં જણાવેલ કે અનેકવાર રજુઆત કરેલ છે પરંતુ કોઈજ કાર્યવાહી કરતા નથી. ત્યારે જૂની સાંકળી ગામજનો અને ખેડૂતો એકઠા થઈ કામગીરી બંધ કરાવી હતી અને બંને બાજુ રસ્તો નહીં બનાવે ત્યાં સુધી કામ ચાલુ નહીં થવા દેવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.