રાજકોટ: ગોંડલ અક્ષર મંદિર ખાતે સવારે નાસ્તો કર્યા બાદ મુસાફરો અને વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝિંગની અસર થઈ હતી. ધોરણ 6થી 12માં અભ્યાસ કરતા 30થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે જ્યારે બીજી તરફ મુસાફરોમાં પણ આ અસર જોવા મળતા તેમણે વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુરુકુળ પ્રીમાઈસીસમાં સારવાર આપવામાં આવી રહી છે.
હાલ તબિયત સ્થિરઃ આ અંગે વીરપુર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. કે.વી.રાણપરિયાએ જણાવ્યું હતું કે, વીરપુર સિવિલ હોસ્પિટલમાં તાવ , ચક્કર આવવા તેમજ ઉલટી થવાના અનેક કેસીસ આવ્યા હતા. જે તમામને વીરપુર ખાતે સારવાર આપવામાં આવી હતી. તેઓની તબિયત હાલ સુધરવા પર છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિની તબિયત વધુ ખરાબ થશે કે વધુ સારવારની જરૂર પડશે તો તેમને રીફર કરવામાં આવશે.
બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઃ ગોંડલના બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર મેહુલ ચૌહાણે જણાવ્યું કે, ધોરણ 10 અને 12ની હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ બોર્ડના વિદ્યાર્થીઓને પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. બોર્ડની પરીક્ષા હોવાના કારણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર બાદ પરીક્ષા આપવા મોકલ્યા હતા. બોર્ડના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા વાલીઓ ચિંતિત થયા હતા. ગુરુકુળના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર હોવાથી પરીક્ષા સેન્ટરો પર પણ જાણ કરવામાં આવી હતી. કોઈ વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ તકલીફ પડે તો તાત્કાલિક મેડિકલ ટીમને જાણ કરવાની સૂચના આપી છે.
ગોંડલ ગુરુકુળમાં પણ સારવાર અપાઈઃ ગોંડલ ગુરુકુળ ખાતે તેમજ વિરપુર ખાતે આરોગ્ય વિભાગની ટીમ, સિવિલ હોસ્પિટલ સ્ટાફ, હોસ્પિટલના ડોક્ટરો ખડેપગે તબીબી સેવા આપી રહ્યા છે. તબીબોની ટીમે ગુરુકુળમાં અભ્યાસ કરતા તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. બાળકોને જરૂરિયાત અનુસાર સારવાર આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ તમામ વિદ્યાર્થીઓ ઓ તબિયત સુધારા પર છે. સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 108, સિવિલ હોસ્પિટલ સહિતની એમ્બ્યુલન્સ દોડી આવી હતી.
વહીવટી તંત્રનો ધમધમાટઃ આ મામલાની જાણ થતા ગોંડલ તેમજ જેતપુરમાં મામલતદાર મેડિકલ ટીમ તેમજ અન્ય વહીવટી તંત્ર વીરપુર તેમજ ગોંડલ ખાતે દોડી આવ્યું હતું. આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દર્દીઓની સારવાર માટેની કામગીરીઓ અને સુવિધાઓ માટે દોડધામ કરી હોવાનું પણ સામે આવ્યું છે.