રાજકોટ: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે FIR દાખલ કરી છે. પોલીસે યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીઓ સામે IPCની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અન્ય કેટલાંક આરોપીઓની પણ અટકાયત કરી છે, તાલુકા પોલીસ હવે વિધિવત તેમની ધરપકડ કરશે.
કોણ છે મુખ્ય આરોપીઓ ?
- ધવલભાઈ ભરતભાઈ ઠક્કર
- અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
- કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા
- પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
- યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
- રાહુલ લલીતભાઈ રાઠોડ
આ પહેલાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગેમ ઝોનના માલિક અને મેનેજર સહિત બે લોકોને દુર્ઘટના મામલે પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતાં, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકોના મૃત્યું નીપજ્ય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લગભગ શનિવારે 4.30 કલાકે લાગી હતી.
રાજકોટના પોલીસ કમિશનર, રાજુ ભાર્ગવે આ બાબતનો જણાવ્યું હતું કે, "પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. TRP ગેમ ઝોનના માલિક અને મેનેજરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે." જ્યારે રાજ્યના પોલીસ મહાનિર્દેશકે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને રાજ્યના તમામ ગેમ ઝોનનું નિરીક્ષણ કરવા અને ફાયર સેફ્ટીની પરવાનગી વિના ચાલતા ગેમ ઝોનને બંધ કરવા સૂચના આપી છે.
પોલીસ મહાનિર્દેશકે નગરપાલિકાઓ અને નગરપાલિકાઓના ફાયર ઓફિસરો અને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને આ પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે. રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલી મોટી ઘટનામાં સમગ્ર રાજકીય ક્ષેત્રના આગેવાનોએ શોક વ્યક્ત કર્યો છે.
આગની ઘટનાના જવાબમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અકસ્માત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.