રાજકોટઃ શનિવારે રાજકોટના ટી.આર.પી ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં 27 જેટલા નિર્દોષ લોકોના આગમાં બળી જવાને કારણે મૃત્યુ થયા હતા. આ સમગ્ર મામલો ખૂબ જ ગંભીર હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા સત્વરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ જાહેરાત કરવામાં આવી. જેની અધ્યક્ષતા સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીની સાથે રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુને સમાવીને બનાવવામાં આવી છે. ખાસ તપાસ ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે આ દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 અધિકારી અને કર્મચારીઓની સમગ્ર મામલામાં અટકાયત કરી છે.
4ની અટકાયતઃ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે કામ કરતા મનસુખ સાગઠીયાની સાથે સહાયક ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણા તેમજ ગૌતમ જોશીની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર સ્ટેશન ઓફિસર તરીકે કામ કરતા રોહિત વિગોરાની આજે વિધિવત ફરિયાદને આધારે અટકાયત કરી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ પ્રથમ વખત પોલીસની કાર્યવાહીમાં 4 જેટલા કર્મચારી અને અધિકારીઓ પોલીસ પકડમાં જોવા મળ્યા છે.
ઉચ્ચ અધિકારીઓની થઈ શકે છે અટકાયતઃ હજૂ પણ કેટલાક ઉચ્ચ અધિકારીની અટકાયત થઈ શકે છે તેવી શક્યતાઓને આજના દિવસે નકારી શકાતી નથી. આજની ધરપકડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસને અંતે કરવામાં આવી છે હજુ સમગ્ર મામલામાં ખાસ તપાસ ટીમ તપાસ કરી રહી છે તેમાં પણ કોઈ તથ્ય બહાર આવશે તો કેટલાક ઉચ્ચ અધિકારીની ધરપકડ પણ રાજકોટ આગ કાંડમાં થઈ શકે છે.
એસીબી દ્વારા પણ તપાસનો ધમધમાટઃ રાજકોટનો આગ કાંડ હાલ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનતો જાય છે તેને ધ્યાને રાખીને એસીબી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પાછલા ઘણા વર્ષોથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે કામ કરતા મનસુખ સાગઠીયા અને ફાયર ઓફિસર તરીકે કામ કરતા ઠેબાના રહેણાંક તેમજ રાજકોટ શહેરમાં આવેલા અન્ય ઠેકાણા પર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ સવારથી જ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. હાલ તો ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા આરોપી તરીકે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કબજામાં છે પરંતુ ફાયર ઓફિસર ઠેબાની હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ મામલામાં અટકાયત કરવામાં આવી નથી.