રાજકોટ: રાજકોટમાં સસરાને આપઘાત મજબુર કરવાના આરોપમાં પુત્રવધુ તથા વેવાઈ-વેવાણ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પુત્રવધુ અને તેના પરિવારજનોના ત્રાસના કારણે જયંતિ નામના ખેડૂતે સોમવારે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. મૃતકે આપઘાત કરતા પૂર્વે એક અંતિમ ચિઠ્ઠી લખી હતી, જે પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.
સસરાના નામે રહેલી જમીન પુત્રવધુના નામે કરવાની માંગ
સમગ્ર મામલે મૃતકના પુત્ર સંદીપની ફરિયાદના આધારે સંદીપની પત્ની ભૂમિકા, સસરા પરબત પીપરોતર, સાસુ હંસાબેન પીપરોતર સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સસરાના નામે રહેલી 8 વીઘા જમીન પૈકી 4 વીઘા જમીન મૃતકની પુત્રવધુ ભૂમિકાના નામે કરવા સહિતની બાબતો અંગે હેરાન કરવાનો આરોપ લાગ્યો છે. આ કારણે સસરાએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.
જમીન વહુના નામે ન કરતા સસરાને કરાયા હેરાન
મૃતકના પુત્ર સંદીપ દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેની પ્રથમ પત્નીને તેણે આઠ વર્ષ પૂર્વે છૂટાછેડા આપી દીધા છે. બીજા લગ્ન તેણે ભૂમિકા સાથે કર્યા હતા. ત્યારે ભૂમિકા છેલ્લા પાંચ મહિનાથી તેના પિતાના ઘરે રહે છે. ભૂમિકા સુરત ખાતે ડ્રેસ મટીરીયલ કપડાની ખરીદી કરવા જવાના બહાને પોતાના માતા-પિતાના ઘરે જતી રહી હતી. ભૂમિકા અને તેના પરિવારજનો અવારનવાર મૃતક જયંતિને કહેતા હતા કે, તમારા નામે રહેલી 8 વીઘા જમીન પૈકી ચાર વીઘા જમીન મારી પુત્રી ભૂમિકાના નામે કરી દો. તેમના મુજબ ન કરતા સંદીપ તેમજ ભૂમિકાનો ઘર-સંસાર સુખપૂર્વક ચાલવા ન દઈને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હતા.
અગાઉ પણ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
તેના કારણે અગાઉ જુલાઈ માસમાં પણ સસરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. પાંચ માસ પૂર્વે ભૂમિકાનો ભાઈ પિયુષ પીપરોતર સટ્ટામાં 85 લાખ રૂપિયા હારી જતા સંદીપના સાસુ-સસરા તરફથી જમીન ભૂમિકાના નામે કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.
આ પણ વાંચો: