રાજકોટ : ધોરાજી તાલુકાના તોરણીયા ગામથી ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. એક યુવક પર એક યુવતીની હત્યા કર્યાનો આરોપ છે. જોકે, આરોપી યુવકે પણ બાદમાં આત્મહત્યા કરતા મામલો વધુ ગૂંચવાયો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ : આ અંગે મળતી માહિતી અનુસાર તોરણીયા ગામની વાડી વિસ્તારમાં 21 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો હતો. જેની તિક્ષ્ણ હથિયાર વડે ગળામાં ઘા મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. યુવતીના મૃતદેહને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને આ હત્યાના મામલાની ધોરાજી પોલીસ તપાસ ચલાવી જ રહી હતી.
યુવકનો આત્મહત્યા કરેલો મૃતદેહ : બીજી તરફ જે ખેતરમાં યુવતીનો મૃતદેહ મળ્યો તેનાથી ત્રણ-ચાર ખેતર બાદ ભિયાળ જવાના રસ્તે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા યુવકે ઝેરી દવા પી અને આત્મહત્યા કરી હોય તેવું પ્રાથમિક તપાસ જાણવા મળ્યું હતું. યુવકના મૃતદેહને પણ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હત્યા-આત્મહત્યાનો મામલો ? આ બાબતે ધોરાજી પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક યુવતીનું નામ હર્મિતા ડાભી અને મૃતક યુવકનું નામ જીગ્નેશ પરમાર છે. આ બંને સગામાં હોય તેવું જાણવા મળેલ છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર યુવકે યુવતીને તિક્ષણ હથિયાર વડે ગળામાં ઘા મારીને મારીને હત્યા નીપજાવી અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં ખુદ આત્મહત્યા કરી હતી.
પોલીસ તપાસમાં ચોંકવનારો ખુલાસો : આ બનાવની માહિતી અનુસાર મૃતક યુવકને મૃતક યુવતી સાથે લગ્ન કરવા હતા. પરંતુ મૃતક યુવતીના લગ્ન દેવળકી ગામના યુવક સાથે નક્કી થયા હતા અને આ લગ્ન બાબતે સારું નહીં લાગતા યુવકે યુવતીના ગળાના ભાગે ધારદાર હથિયાર વડે ઈજા કરી મોતને ઘાટ ઉતારી હોવાનો આરોપ છે. બાદમાં યુવક સ્થળ પરથી નાસી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
મૃતકના પિતાની ફરિયાદ પરથી તપાસ શરૂ : આ બાબતને લઈને ધોરાજી તાલુકા પોલીસે મૃતક યુવતીના પિતા જીવણલાલ ડાભી નામના વ્યક્તિની પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં હત્યાના આ બનાવમાં મૃતક જીગ્નેશ પરમાર સામે ફરિયાદ નોંધી અને આ મામલે ધોરાજી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને જી.પી. એકટ 135 મુજબ ગુનો નોંધી સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે.