રાજકોટઃ છેલ્લા 24 કલાકમાં 5 રાજકોટવાસીઓના હાર્ટ એટેકથી મૃત્યુ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર ફેલાઈ ગઈ છે. આ 5 મૃતકોમાં 22થી લઈને 55 વર્ષની વયના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કોરોના મહામારી બાદ સમગ્ર રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સા વધી રહ્યા છે.
લગ્નના 2 દિવસ અગાઉ જ મોતઃ શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા અને 22 વર્ષીય અજય સોલંકીના 2 દિવસ બાદ લગ્ન લેવાના હતા. આ યુવક ઘરમાં જ અચાનક ઢળી પડ્યો. જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જો કે યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં જ તે મોતને ભેટ્યો હતો. તેનું પીએમ કરતા મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું હતું. અજયના બે દિવસ બાદ લગ્ન હતા આ સંજોગોમાં તેનું મૃત્યુ થતાં પરિવારજનો ઉપર આભ ફાટ્યું છે.
નિવૃત્ત SRPના પુત્રનું મોતઃ શહેરના જામનગર રોડ પર આવેલા SRP કેમ્પ નજીક આસ્થા સોસાયટીમાં એક નિવૃત્ત SRP કિશોર સિંહનો પરિવાર રહે છે. પરિવારમાં તેમના 35 વર્ષીય દીકરા સૂર્યદેવ સિંહનો પણ સમાવેશ થતો હતો. સૂર્યદેવ સિંહ ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડ્યો. તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સૂર્યદેવ સિંહને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું. નિવૃત્ત SRP કિશોર સિંહનું 2 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. હવે જુવાન જોઘ પુત્રનું પણ હાર્ટ એટેકમાં મૃત્યુ થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જેલમાં બંધ કેદીનું મોતઃ મૂળ અંજારના વતની અને નવેક વર્ષથી રાજકોટ જેલમાં સજા કાપી રહેલા 55 વર્ષીય હરી લોચાણીનું પણ હાર્ટ એટેકમાં મૃત્યુ થયું છે. સાંજે જેલમાં બેભાન થઈ જતાં તેમણે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે તેમનો જીવ બચ્યો નહતો.
અન્ય 2 બનાવોઃ માયાણીનગર આવાસ યોજનામાં રહેતાં મહેન્દ્ર ચૌહાણ રાત્રે એકાએક બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સિવિલમાં તેમનું મૃત્યુ થયું હતું. બાબરીયા કોલોની મેઈન રોડ પર મિનાક્ષી સોસાયટી-3માં રહેતાં હંસાબા જાડેજા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમના પુત્રએ જણાવ્યું કે હાર્ટ એટેકથી હંસાબાનું મૃત્યુ થયું છે.