નવસારી: મોડે મોડે પધારેલા મેઘરાજાએ છેલ્લા 2 દિવસથી સતત મેઘ મહેર કરીને નવસારી શહેર અને જિલ્લાને પાણીથી તરબોળ કરી નાખ્યું છે. નવસારી શહેરના વિજલપુર, જલાલપુર સ્ટેશન રોડ અને સહીચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ત્યારે બીજી તરફ શહેરની મધ્યમાં આવેલા શાકભાજી માર્કેટ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો.
ખેરગામ તાલુકામાં સૌથી વધારે વરસાદ: જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો પણ હરખાયા છે. નવસારી જિલ્લામાં 6 તાલુકામાં ખેરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ખેડૂત પિનાકીન પટેલ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ સમય કરતા ઘણો મોડો આવ્યો છે. જેને લઇને ખેડૂતો ચિંતામાં હતા પરંતુ હાલ જે વરસાદ વરસી રહ્યો છે, તે વાવણી લાયક વરસાદ છે. તેથી ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ ઘણો ફાયદાકારક રહેશે.
નવસારીના 6 તાલુકાઓમાં પડ્યો વરસાદ: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી છે તેથી ત્યારે નવસારી જિલ્લામાં મોડો મોડો વરસાદ થતા ખેડૂતો ચિંતામાં હતાં.પરંતુ વરસાદનું આગમન થતા નવસારીમાં ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે વરસાદી આંકડાની વાત કરીએ તો નવસારીમાં 62 MM, જલાલપુર 67 MM, ગણદેવીમાં 62 MM, ચીખલીમાં 49 MM, વાંસદામાં 47 MM, ખેરગામમાં 88 MM જેટલો વરસાદ ખાબક્યો છે.
નદીઓ અને ડેમનું જળસ્તર વધ્યું: નવસારી જિલ્લાની નદીઓમાં પણ પાણીનું જળસ્તર વધ્યું છે. અંબિકા નદીમાં 10.33 ફૂટ, પૂર્ણા નદીમાં 10.00 ફૂટ, કાવેરી નદીમાં 8.00 ફૂટ સપાટીએ જળસ્તર પહોંચ્યું છે. નવસારી જિલ્લાની ડેમોમાં પણ વરસાદને લીધે પાણીની સપાટીએ પહોંચી છે. જુજડેમ 151.55 ફૂટ અને કેલીયા ડેમ 99.70 ફૂટ સુધી જળસ્તર પહોચ્યું છે.