પાલનપુર : પાલનપુર નવીન બસ પોર્ટમાં કોમ્પલેક્ષમાં અંદાજીત 650 જેટલી દુકાનો આવેલી છે. જ્યાં આગળ મુખ્યત્વે દુકાનોમાં ખાણીપીણી, મોબાઈલ, ગિફ્ટ, સ્ટેશનરી, કોચિંગ ક્લાસ, લાઇબ્રેરી અને કાફે આવેલા છે.
ગેરકાયદેસર પ્રવૃતિઓની બાતમી મળતાં રેઇડ : પાલનપુર પશ્ચિમ પોલીસને કાફેની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની માહિતી મળતા પોલીસની ટીમે બસપોર્ટમાં ફર્સ્ટ ડેટ નામના કાફેમાં રેડ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર પાલનપુર બસપોર્ટમાં પોલીસની રેઇડના કારણે ડરી ગયેલી બે યુવતીઓએ કાફેની બારીમાંથી છલાંગ લગાવી હતી. ત્રીજા માળેથી છલાંગ લગાવતા યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે બંને યુવતીઓને 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પોલીસ શું કહે છે : પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. ગોહિલના જણાવ્યા મુજબ પોલીસે મળેલી હકીકતના આધારે કાફેમાં રેડ પડતાં જ કાફેમાં લોકો ડરી ગયા હતાં. ડરના લીધે બે છોકરીઓ પાછળની બારીમાંથી કૂદી હતી જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ આ યુવક યુવતીઓની વધુ તપાસ કરી રહી હતી, તે દરમિયાન અફરાતફરીના માહોલમાં બીજા લોકો ભાગી છૂટયા હતાં. પોલીસે કાફેના માલિકને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સાથે સાથે પોલીસે બીજા કાફેમાં તપાસ હાથ ધરી હતી અને એક કાફેના માલિકની પૂછપરછ હાથ ધરી હતી. જોકે ઘટનાને લઇ બસ પોર્ટમાં વાયુવેગે વાત પ્રસરતા બીજા બધા કાફેમાં ફટાફટ તાળા લાગી ગયા હતાં. કાફે માલિકો ત્યાંથી ફરાર થયા હતાં.
કાફેનો માહોલ કેવો હતો? : કાફેમાં એક ભાગમાં ટેબલ અને ખુરશીઓ હતી જ્યાં આગળ બેસીને લોકો નાસ્તો કરી શકે અને બીજા ભાગમાં નાના નાના રુમ બનાવવામાં આવ્યા હતાં અને તેમા સોફા સહિતની સુવિધા હતી. જેની અંદર કાફેના નામ પર ગેરકાયદસર પ્રવુત્તિઓ ચલાવવામાં આવતી હતી. કાફેમાં એક પણ સીસીટીવી કેમેરા ન હતાં.