રાજકોટ : ગુજરાતને હચમચાવી નાખનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના ઘા હજુ રુઝાયા નથી. રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આગામી 25 જૂને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે ઓનલાઈન માધ્યમથી વાતચીત કરી હતી.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ : રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 જેટલી માનવ જિંદગી આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. સમગ્ર મામલો હજુ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારની ખાસ તપાસ ટીમ દ્વારા રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આગામી 25 તારીખે સમગ્ર રાજકોટ બંધનું એલાન કર્યું છે, જેમાં રાજકોટ વેપારી મહામંડળ પણ જોડાયું છે.
પીડિત પરિવારોની પડખે આવ્યું કોંગ્રેસ : આવી પરિસ્થિતિમાં હતાહત લોકોના પરિવારને સાથ સહકાર મળી રહે તે માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ આજે ઝૂમ મીટીંગ કરીને પીડિત પરિવારો સાથે વાત કરી હતી. સાથે જ પરિવારોની આ લડાઈમાં રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ પાર્ટી તેમની સાથે કદમ થી કદમ મિલાવીને સાથે જોવા મળશે, તેવો ભરોસો અગ્નિકાંડમાં હતાહત થયેલ વ્યક્તિના પરિવારજનોને અપાવ્યો હતો.
લડાઈમાં સાથે રહેવાનો ભરોસો આપ્યો : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે લાલજી દેસાઈ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાની સાથે શૈલેષ પરમાર પણ અગ્નિકાંડમાં મૃતકના પરિવારો સાથે સંયુક્ત મિટિંગમાં જોડાયા હતા. રાહુલ ગાંધી આ મિટિંગમાં દિલ્હી ઓફિસથી જોડાયા અને પીડિત પરિવારજનોને સાંભળીને તેમની આ લડાઈમાં કોંગ્રેસ પાર્ટી તરફથી સહકારનો ભરોસો આપ્યો હતો. તેમના આ દુઃખના સમયમાં અને આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી પીડિત પરિવારોની સાથે ઉભી રહેશે તેવો ભરોસો પણ રાહુલ ગાંધીએ અપાવ્યો હતો.