વલસાડ: જિલ્લાના ધરમપુરમાં આસુરા સર્કલ ખાતે આવેલ આદિવાસી મસીહા અને ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્ય તિથિ નિમિત્તે આજે આદિવાસી અગ્રણીઓ તેમજ અનેક રાજકીય અગ્રણીઓ દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને હાર તોરા કર્યા હતા. તેમજ તેમની શોર્ય ગાથાને યાદ કરી હતી.
કોણ હતા આદિવાસી મસીહા બિરસા મુંડા: જન્મ 15 નવેમ્બર 1875ના દિને ઝારખંડના રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું.
અંગ્રેજોના નાકમાં ક્રાંતિકારી બિરસા મુંડાએ દમ કરી નાખ્યો હતો: 1897ના વર્ષથી 1900ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ 1897ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ કરી લેવાઈ હતી. જાન્યુઆરી 1900 માં ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ફેબ્રું 3, 1900ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ સ્વીકારી લીધી હતી. જળ, જંગલ, જમીન અને આદિવાસીના અધિકારો માટે તેમણે લડત આપી હતી: આદિવાસી સમાજના મસીહા ગણવામાં આવતા ક્રાંતિકારી બિરસા મુંડા દ્વારા જળ, જંગલ, જમીન અને આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સમાજની પડખે રહીને અંગ્રેજોની સામે બાંયો ચડાવી લડત ચલાવી હતી અને છેલ્લા શ્વાસ સુધી તેઓ આદિવાસી સમાજ માટે લડતા રહ્યા હતા.
આદિવાસી નેતા કલ્પેશ પટેલે હકક અને અધિકાર માટે લડવાની વાત કરી: આજે આદિવાસી મસીહા અને ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિને લઈ ધરમપુરના આસુરા વાવ સર્કલ ખાતે બિરસા મુંડાની પ્રતિમા આગળ હાર તોરા કરવા એકત્ર થયા હતા. આદિવાસી સમાજના અગ્રણીઓ અને આદિવાસી સમાજના નેતા કલ્પેશ પટેલે જણાવ્યું કે, આદિવાસી સમાજના અનેક પ્રશ્નોના હક અને અધિકાર માટે જે રીતે બિરસા મુંડા લડ્યા હતા તે મુજબ આપણે પણ તેમના પંથે આગળ ચાલવાનું રહેશે. તમામ યુવાનોને એકત્ર થઈ એક જૂઠ રહેવા તેમણે જણાવ્યું હતું.
આમ ધરમપુર ખાતે આવેલા આસુરા વાવ સર્કલ નજીક ક્રાંતિકારી અને આદિવાસી મસીહા બિરસા મુંડાની પ્રતિમા ઉપર હાર તોરા કર્યા હતા.