સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્રના જામનગરના ખંભાળિયા સહિતનાં વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે ખંભાળિયા, ભાવનગર અને અમરેલીમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. PGVCL હેઠળના 34 ગામોમાં વીજ પુરવઠાની અસર થઈ હતી. જેથી અલગ-અલગ જગ્યાએ PGVCLની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ વીજ પોલ રિપેર થઈ જતાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો.
જામનગરના ખંભાળિયામાં ભારે વરસાદ પડયો હતો. જેથી કુલ 23 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં 7 જેજીવાય ફીડર અને 28 ખેતીવાડી ફીડરમાં વીજ પુરવઠાને અસર થઈ હતી. જોકે, તેને સતત પ્રયત્નો કરી PGVCLની ટેક્નિકલ ટીમોએ દરેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપ્યો હતો. જેથી તે વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કારણ કે, વીજ પુરવઠો ખોરવાતા લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડ્યો હતો.
ભાવનગર જિલ્લામાં આવેલ વરસાદને કારણે કુલ 4 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અને 12 પોલનું નુકશાન થયુ હતું. 2 જેજીવાય ફીડર અને 10 ખેતીવાડી ફીડરમાં પુરવઠાને અસર થઈ હતી. ટેક્નિકલ ટીમોએ દરેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપ્યો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં વરસાદને કારણે કુલ 7 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી. 1 જેજીવાય ફીડરમાં પુરવઠાને અસર થઈ હતી. જેને પણ ટેકનિકલ ટીમોએ દરેક ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપ્યો હતો. જેથી સ્થાનિક વિસ્તારના લોકોએ રાહતનો અનુભવ કર્યો.