પોરબંદર: છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદર શહેર આજે પાણી પાણી થઈ ગયું છે. પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. પોરબંદરના કુંભારવાડા, કડિયા પ્લોટ, મિલપરા ખડપીઠ વિસ્તારમાં તથા ઘાસ ગોડાઉન પાસે અને ગાયત્રી મંદિર સામેના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો અનેક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા અનેક સ્થળોએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે.
લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા: પોરબંદર જિલ્લામાં વરસાદ સતત વરસતા ઘેડ પંથક અને બરડા પંથકમાં વરસાદે તારાજી સરજી છે. આ ઉપરાંત ભાદર બે ડેમમાં પાણી ભરાતા ડેમના પાટિયા ખોલવામાં આવ્યા છે. જેના કારણે તેનું પાણી પોરબંદર શહેરમાં આવી જાય છે. આથી પોરબંદરના નીચાણવાળા વિસ્તાર જેમાં ઘાસ ગોડાઉન, કડિયા પ્લોટ, મિલપરા અને ખડપીઠ વિસ્તારથી લઈ કુંભારવાડા વિસ્તારની શેરીઓમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ત્યારે પોરબંદરના મુખ્ય ગણાતા લીમડા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું હતું અને લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. આથી સતત વરસતા વરસાદે તારાજી સરજી છે. અને પોરબંદર વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમ તથા પોરબંદર પોલીસની ટીમ સતત કાર્ય કરી રહી છે અને નીચાણવાળા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ છે.
લોકોને સ્થળાંતર કરાયા: પોરબંદરના ગાયત્રી મંદિર સામે આવેલ વિસ્તારમાં 40 લોકો ફસાયા હતા. જેના ધ્યાને લઈને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને તમામ રેસ્ક્યુ કરાયેલા લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે અને અલગ અલગ સ્કૂલો અને સેન્ટર હોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ત્યાં પણ રહેવા જમવાની પણ વ્યવસ્થા કરાય છે ત્યારે લોકોને સાવચેત રહેવા માટે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું.
પશુપાલકો પણ હેરાન થયા: પોરબંદરમાં અનેક લોકોએ પોતાના ઘરમાં પશુઓ રાખ્યા હોય છે ત્યારે કુંભારવાડામાં વિસ્તારમાં રહેતા પશુપાલક રાત્રિના સમયે પાણી આવતા મુશ્કેલીમાં મુકાયા હતા અને ઢોર ઢાંખર લઈને રોડ પર બાંધવામાં આવ્યા હતા. પોરબંદરથી મહેર બોર્ડિંગ તરફ જતો રસ્તો અને મિલપરા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. પાણી ભરાયા હોવાના કારણે લોકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે આ નિર્ણય લેવા છે.
આ ઉપરાંત દ્વારકા થી પોરબંદર જતો રસ્તો જેમાં હનુમાન રોકડિયા પાસે આવેલ ગાયત્રી મંદિર પાસે ખાડીના પાણીનું સ્તર રોડની સપાટી સમાન બન્યું હતું ત્યારે કોઈ મોટી જાનહાની ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા બેરીકેટ રાખવામાં આવ્યા હતા અને પોલીસ જવાનો પણ તેના જ કરવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં પણ વરસાદની આગાહી છે. ત્યારે લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરાય છે.