પોરબંદર : ચૂંટણીના નિયમો મુજબ કોઈ ઉમેદવાર જાતે ચૂંટણી લડી શકતા નથી, પરંતુ તેને ચૂંટણી લડાવનાર વ્યક્તિ જેતે 'દરખાસ્ત કરનાર' કહેવાય તે દરખાસ્ત કરે છે, કે હું આ વ્યક્તિને ચૂંટણી લડાવવા માંગુ છું. તેમ દરખાસ્ત કરવામાં આવે છે. ચૂંટણી લડનાર પ્રત્યેક ઉમેદવાર વધુમાં વધુ 4 ફોર્મ રજૂ કરી શકે છે. ડૉ.મનસુખભાઈ ૪ ફોર્મમાં દરખાસ્ત કરનારની વિગતો (1 ) G ગરીબ દાના નાથાભાઈ ડાંગર આયુષ્માન કાર્ડ ,માણાવદર (2) Y યુવા યશકુમાર દિપકભાઈ રામાણી સ્કોલર શીપ ધોરાજી (3) A અન્નદાતા ખીમજીભાઈ જેઠાભાઈ બગડા પી.એમ.કિસાન યોજના જેતપુર અને (4)N નારી મીનાબેન ખીમજી મોતીવરસ, માછીમારી સહાય, પોરબંદર.
મનસુખ માંડવિયાએ શું કહ્યું : ડૉ. મનસુખ માંડવિયાએ પોતાની દરખાસ્ત કરવા માટે સરકારના લાભાર્થી અને પછાત વર્ગોને આપીને ખૂબ મોટી પ્રતિબધ્ધતા દર્શાવી છે કે તેઓની પ્રાથમિકતા શું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવેલ કે નવા ભારતમાં ચાર વર્ગો જ છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી(GYAN), આ ચાર વર્ગોએ મનસુખભાઈ માંડવિયા ચૂંટણી લડે તે માટે તત્પરતા દર્શાવી દરખાસ્ત કરેલ છે. જે દર્શાવે છે કે તેમણે મનસુખભાઈમાં પોતાનો ભરોસો દર્શાવ્યો છે, (GYAN). મનસુખ માંડવિયાએ જણાવેલ છે કે આ ચૂંટણી હું નહીં પણ મારા વિસ્તારના આ 4 વર્ગો લડે છે. આ ચૂંટણી અમૃતકાળની પ્રથમ ચૂંટણી છે, આ ચૂંટણી વિકસિત ભારતની દિશા અને દશા નક્કી કરનાર ચૂંટણી છે, દેશના કરોડો ગરીબ, યુવા, અન્નદાતા અને નારીના સ્વપ્ન પુરા કરવા અને તેમની આશા-અપેક્ષા પૂરી કરવા કામ કરે તેવી સરકાર રચવા માટેની ચૂંટણી છે, માટે આ ચૂંટણી મનસુખ માંડવિયા નહીં પરંતુ નવા ભારતના 4વર્ગો જેને GYAN કહીએ છીએ તે લડશે.
ડમી ઉમેદવારી કોની : ડમી ઉમેદવાર તરીકે પ્રવિણભાઈ માંકડીયાએ 3 ફોર્મ રજૂ કરેલા છે, જેની દરખાસ્ત કરનારની વિગતો જોઇએ તો (1) ભોગેસરા જેઠાભાઈ દુદાભાઈ, પી.એમ. કિસાન યોજના કુતિયાણા, (2) વાઢીયા નયનાબેન એશભાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) કેશોદ (3)જાડેજા ઇન્દ્રજીતસિંહ દાદુભા આયુષ્માન કાર્ડ, ગોંડલ.
મનસુખ માંડવિયાના ઉમેદવારી ફોર્મનું પ્લાનિંગ : મનસુખ માંડવિયાએ માઈક્રોપ્લાનિંગ કરતા ભાજપના કુલ 7 ફોર્મ માટે સાતેય વિધાનસભામાંથી એક-એક દરખાસ્ત કરનારને તક આપી છે. સાથેના ચારેય વર્ગો, અલગ-અલગ યોજનાના લાભાર્થી, અલગ-અલગ જ્ઞાતિથી આવે છે. આ તમામ વિધાનસભા ક્ષેત્ર, તમામ વર્ગો, જાતિ, યોજનાઓને પ્રાધાન્ય આપ્યું છે.
ચર્ચાનો વિષય બન્યો : ત્યારે ગઈ કાલે રાજકોટમાં યોજાયેલ ક્ષત્રિય સંમેલનમાં ક્ષત્રિય સમાજે 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને રૂપાલાની ટિકીટ રદ નહી થાય તો મોટું આંદોલન કરશે. ક્ષત્રિયો બીજેપી વિરુદ્ધ જશે તેવો એક સંકલ્પ લેવાયો હતો કે જયાં સુધી રૂપાલાની ટિકીટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપને ટેકો નહીં આપીએ. ત્યારે પોરબંદર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના ટેકેદાર દરખાસ્ત કરનારમાં ગોંડલના જાડેજા ઇન્દ્રજીતસિંહ દાદુભા ક્ષત્રિય સમાજના વ્યક્તિ હોવાને લીધે લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.