પોરબંદર : સમગ્ર મામલે કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. સમગ્ર મામલે મૃતકના મોટાભાઈ ખીમા કોડીયાતર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, 13 માર્ચના રોજ રાત્રિના 12:00 વાગ્યા આસપાસ નાથા કોડીયાતર પોતાની ઈકો ગાડી લઈ પોતાની પત્ની તેમજ બાળકોને જામનગર ખાતે લેવા જતો હતો. જે દરમિયાન પાજોદ ગામથી આગળ ત્રણ સવારી બાઈક સાથે પોતાની ઈકો ગાડીનું અકસ્માત થયો હતો.. જે અકસ્માતમાં બાઈક સવાર ત્રણ જેટલા વ્યક્તિઓના મોત થયાં હતાં. આ બાબતનું તેને લાગી આવતા તેણે પોતાની બહેનના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
પરિવારે આપી વિગત : મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના મોટાભાઈ ખીમા કોડિયાતરે જણાવ્યું હતું કે, અકસ્માતમાં તેના નાનકડા ભાઈને પણ માથાના ભાગે તેમજ હાથના ભાગે ઈજા પહોંચી હતી. પ્રથમ સારવાર અર્થે તેને માણાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને પોરબંદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેણે પોતાની બહેનના ઘરે જવાની જીદ પકડી હતી. તેમજ ત્યારબાદ તે પોતાની બહેનના ઘરે પણ ગયો હતો, જ્યાં પહોંચીને તેણે જમીને આરામ પણ કર્યો હતો.
બહેનના ઘેર આપઘાત કરી લીધો : ત્યારબાદ પોતાના મોટાભાઈ ખીમા કોડીયાતર સાથે પોતે પોલીસમાં હાજર થવા બાબતે સહમતી પણ દર્શાવી હતી. મરણ જનાર નાથા કોડીયાતર ઈજાગ્રસ્ત હોવાથી બાટવાથી તેને તેડવા માટે કૌટુંબિક ભાઈને પણ મોકલવાના હતા. પરંતુ નાથા કોડીયાતરનો ફોન બંધ આવી રહ્યો હતો. જેથી સમગ્ર મામલે ખીમા કોડીયાતર દ્વારા પોતાના બનેવીને ફોન કરીને નાથા કોડીયાતરને ફોન આપવાનું જણાવ્યું હતું. જોકે બનેવી જ્યારે રૂમનો દરવાજો ખટખટાવવા ગયા ત્યારે રૂમ અંદરથી ન ખોલતા રૂમનો દરવાજો તોડવાની ફરજ પડી હતી. ત્યારે અંદર પ્રવેશ કરતા નાથા કોડીયાતરે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો.
યુવક સામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ : ઉલ્લેખનીય છે કે, બાંટવા પોલીસ સ્ટેશન ખાતે નાથા કોડીયાતર વિરુદ્ધ આઇપીસી 279, 304, 337, 338 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત દેવા ઓડેદરા નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં રોડ અકસ્માતમાં હરદાસ ઓડેદરા ભરત મોરી તેમજ પરેશ રામ સહિતના વ્યક્તિઓને ઇકો કાર દ્વારા અડફેટે લઈ તેમના ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજાવ્યા હોવાનું જણાવ્યું હતું.