પોરબંદર : 16 વર્ષ પહેલા ધારાસભ્ય કાંધલ જાડેજાના પિતરાઇ ભાઈના હત્યા કેસમાં કોટડા ગેંગના ત્રણ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે આ મામલે આરોપી બે ભાઈ અને એક ભત્રીજાને આજીવન કેદની સજા ફટકારી છે. જાણો સમગ્ર મામલો...
એ રાત્રે શું બન્યું ? આ બનાવ અંગે મળતી વિગત અનુસાર 14 જાન્યુઆરી 2007 ના રોજ મકરસંક્રાતિના તહેવારના દિવસે રાત્રે મેમણ વાળા વિસ્તારમાં એભા અરજણભાઈના ઘરની બહાર મુતક નવઘણ જાડેજા અન્ય લોકો સાથે બેઠો હતો. આ દરમિયાન આરોપી રામદે ઉર્ફે કાલો રાજશીએ ત્યાં આવી એભા અરજણ સહિતના લોકોને ગાળો આપી હતી. એભા અરજણે ગાળો આપવાની ના પાડતા આરોપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાદમાં આરોપી રામદે રાજશીએ અન્ય શખ્સો સાથે મળી હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં દેવસી રામા, પુજા રામાં ઓડેદરા, લાખા રામા ઓડેદરા, ગાંગા માલદે અને વિરમ કેશુ ઓડેદરા સામેલ હતા.
ચકચારી હત્યા : આ બનાવમાં પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી નવઘણ જાડેજાની હત્યા કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ તમામ આરોપીઓ વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓ સામે IPC કલમ 143, 147, 148, 149, 323, 324, 325, 307, 302 સહિતની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અદાલતની કાર્યવાહી : આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી સ્પેશિયલ પીપી તરીકે એડવોકેટ એસ.આર.દેવાણીની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ કેસ દરમિયાન તેમનું નિધન થતાં સરકાર તરફથી આ કેસ જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી. જેઠવાને આપવામાં આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા આ કેસમાં 63 દસ્તાવેજી પુરાવા તથા 50 જેટલા સાહેદો તપાસવામાં આવ્યા તથા ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ઓથોરિટી સાથે દલીલ કરવામાં આવી હતી.
ત્રણને આજીવન કેદ : જેના અનુસંધાને કોર્ટ દ્વારા આ કેસમાં રજુ કરવામાં આવેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષની દલીલો સાંભળી આરોપીઓ પૂંજા રામા ઓડેદરા, લાખા રામા ઓડેદરા અને ગાંગા માલદે ઓડેદરાને IPC કલમ 323, 324, 325, 307, 504, 506 (2), 114 તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1) તથા બી પી એકટની કલમ 135 હેઠળ હત્યાના કેસમાં કસૂરવાર જાહેર કરીને આજીવન કેદની સજા તથા કુલ રુ. 10,500 નો દંડ ફટકાર્યો હતો.
ઉંચા માથા છે દોષીતો : ઉપરાંત આરોપી રામદે ઉર્ફે કાલો રાજશી ઓડેદરાને IPC કલમ 504 હેઠળ ગુનામાં દોષિત જાહેર કરી એક વર્ષની સજા તથા રૂ. 500 નો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગાંગા માલદે હાલ પોરબંદર છાયા સયુંકત નગરપાલિકાના સદસ્ય છે. ઉપરાંત ગુનેગાર પૂંજા રામા GIDC ના વર્તમાન પ્રમુખ અને લાખા રામા પરિવારના મુખ્ય મોભી છે. આ હત્યા કેસમાં કુલ 8 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી 3 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી વિરમ કેશુ હત્યા કર્યા બાદ આજ સુધી ફરાર છે.