રાજકોટ: ચોરો પહેલા ઘરોમાં ચોરી કરતા હતા ત્યારે તસ્કરો ઘરફોડ ચોરીને સાથે-સાથે હવે અબોલ જીવ પર પણ નજર પડી હોય તેમ છાશવારે પશુ ચોરીના બનાવ સામે આવતાં હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાના ગોંડલના રાણસીકી ગામની સીમમાંથી રૂ.1.60 લાખની બે ભેંસની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં સુલતાનપુર પોલીસે ગુનો નોંધીને પશુચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદી પાસે 2 ભેંસો હતી: આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલના રાણસીકી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતાં 40 વર્ષીય ભાવેશ પાનસુરીયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી તથા પશુપાલન કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. આ સાથે તેમની રાણસીકી ગામે 6 વિઘા જમીન દેરડી રોડ પર અને 5 વિઘા જમીન મેધા પીપળીયાના રોડે આવેલી છે. અહિયાં તેમની પાસે 2 ભેંસો હતી. જે બન્ને ભેંસ ગામમાં બાંધવા માટે ઘરે જગ્યા ન હોવાથી દેરડીના માર્ગે આવેલ ખેતીની જમીનમાં બે ઢાળીયા બનાવી તેમાં ભેંસોને બાંધતા હતા.
ફરિયાદી નીરણ નાખવા જતાં ભેંસો નહોતી: ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, ગઇ તા.22 જુલાઇ રોજ સાડા આઠ વાગ્યે તેઓ પત્ની સાથે ભેંસને નીરણ નાખવા ગયા ત્યારે બંન્ને ભેસો હતી. ત્યારબાદ મગફળીના પાલાની નીરણ કરી ઘરે આવી ગયા હતા. જે બાદ બીજા દિવસે તા. 23 જુલાઇના રોજ સવારના સમયે સાડા છ વાગ્યે તેઓ બાઈક લઈ વાડીએ ભેસોને નીરણ નાખવા જતા ભેંસ ત્યાં જોવા મળી નહોતી. જેથી ફરિયાદીએ આજુબાજુના ખેતરમાં તપાસ કરી થોડીવાર બાદ ઘરે ગયા હતા.
1.60 લાખની ભેંસ ચોરનાર સામે ગુન્હો: ફરિયાદીએ પોતાની પત્ની સહિતના સગા સબંધીઓને ભેંસ ગુમ થયા બાબતે જાણ કરી હતી. બાદમાં આજુબાજુના ગામમાં અને જુદી-જુદી જગ્યાઓએ તપાસ કરી હતી. તેમની રૂ.1.60 લાખની 2 ભેંસ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગેની ફરીયાદ પરથી સુલતાનપુર પોલીસે ગુનો નોંધી ASI એચ.બી.ગરેજા અને સ્ટાફે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.