અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપની નિશાન સ્કૂલમાં આજે સવારે 7.30 વાગ્યે મતદાન કર્યું હતું. તેમના હાઇપ્રોફાઇલ મતદાર તરીકેના મતદાનને લઇને મતદાન મથક પર સુરક્ષા બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના હોવાથી જેની સુરક્ષાના ભાગરૂપે સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.
ઢોલ અને નગારાના તાલ સાથે મતદાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા આવતાં હોવાનું જાણતાં વિસ્તારના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા હતાં.જ્યારે બીજીતરફ મોદી મત આપવા આવવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. ભાજપ કાર્યકરો ઢોલ અને નગારાના તાલ સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સુક જોવા મળ્યાં હતાં અને તેઓ આવી પહોંચતાં સમગ્ર વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. પીએમ મોદીએ મતદાન કર્યાં બાદ માધ્યમો સાથે વાત કરતાં ચૂંટણી તંત્રને અભિનંદ આપ્યાં હતાં અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં.
વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયો : વડાપ્રધાન મોદી નિશાન સ્કૂલમાં મતદાન કરવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થાના ભાગરુપે નિશાન સ્કૂલનો વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયો હતો. આજે પીએમ મોદી મતદાન માટે આવે તે પહેલાં સવારમાં પણ SPG અને રાણીપ પોલીસ દ્વારા અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાણીપના મતદાન બુથ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતો તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભાજપની હેટ્રિક થઈ જશે : નોંધનીય છે કે સુરત લોકસભા બેઠક બિનહરીફ થઇ જતાં ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં લોકસભામાં પણ ભાજપની હેટ્રિક થઈ જશે.