જામનગર : જામનગરમાં આગામી બીજી મેના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જંગી જાહેરસભા યોજાવાની છે. ત્યારે તેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે તેમજ હાલ જ્યારે રાજપૂત સમાજ દ્વારા ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર ખાતેની પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સોમવારે મોડી સાંજે જામનગર ખાતે આવી પહોંચ્યા હતાં.
સ્થળ મુલાકાત લઇ વ્યવસ્થા ચકાસી : ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સૌપ્રથમ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે ત્યાં સ્થળ મુલાકાત લઇ વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી. આ સમયે તેમની સાથે રાજકોટ જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે સભાસ્થળની ટૂંકી મુલાકાત લીધા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની સયાજી હોટલ ખાતે રાત્રી રોકાણ કરવા માટે રવાના થયા હતાં.
આગેવાનો સાથે બેઠક : જામનગરની સયાજી હોટલ ખાતે રાત્રી રોકાણ દરમિયાન ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મુળુભાઇ બેરા તથા જામનગર શહેરના ભાજપના બંને ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા તેમજ જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપ ઓફ કોર્પોરેટસ અફૈર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ પણ સયાજી હોટેલ ખાતે હર્ષ સંઘવી સાથે ખાસ મુલાકાત કરી હતી.
પૂનમબેન માડમને મળ્યાં : જ્યારે આ તમામ સદસ્યો સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાંસદ પૂનમબેન માડમના નિવાસસ્થાન ખાતે મુલાકાત લેવા પહોંચ્યા હતાં, અને મોડી રાત્રિના ચૂંટણી પ્રચારમાંથી પરત ફરેલા જામનગર લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ સાથે થોડા સમય માટે મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવી હોટલ સયાજી ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ સવારે પરત જવા રવાના થયા હતાં.
માધ્યમોના સવાલો પર આપી પ્રતિક્રિયા : જામનગરની સયાજી હોટલ ખાતે મીડિયાને પ્રતિક્રિયા આપતા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ લોકસભા ચૂંટણીમાં કશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશની ધુરા આપવા માટે એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી બીજી મેના રોજ જામનગરની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને જામનગર ખાતે સભાને સંબોધન કરશે. જેના ભાગરૂપે તૈયારીઓની સમીક્ષા અને વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જામનગરના દિલમાં મોદી છે અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે. જામનગરના ચૂંટણી કાર્યાલયો અને રાત્રિના સમયે જામનગરની શેરીઓ-ગલીઓની પણ મુલાકાત લેવાનો પણ અવસર મળ્યો. આ ઉપરાંત આગેવાનો સાથે બેઠકો પણ કરવામાં આવી.
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા રાજવીઓના નિવેદન અંગે ગુજરાતના અનેક રાજવીઓએ ટિપ્પણી આપી છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે કોંગ્રેસના આ શહેજાદા દ્વારા નિઝામ હોય કે નિઝામો દ્વારા થયેલા અત્યાચારો પર તમે ક્યારેય કોઈપણ પ્રકારના સ્ટેટમેન્ટ નહીં સાંભળ્યા હોય, જેના ઇતિહાસ પર આખા ભારત દેશને ગર્વ હોય એવા રાજારજવાડા ઉપર સ્ટેટમેન્ટ આપવા માટે આ કોંગ્રેસના યુવરાજ ખૂબ જ ફેમસ છે. ભાવનગરના આપના ઉમેદવાર દ્વારા રાજપૂતો અંગે આપવામાં આવેલી સ્ટેટમેન્ટ ખૂબ જ નિંદનીય કહેવાય અને દુઃખની બાબત છે.
ડ્રગ્સની બદી સામે મુહિમ : જ્યારે ગુજરાત પોલીસ અને એટીએસની કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશની યુવા પેઢી ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠામાંથી એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા જે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે તે બદલ ગુજરાત પોલીસ અને એટીએસટી ટીમને હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતાં.
રાજપૂત સમાજ સાથે બેઠક : રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠક કરવાના પ્રશ્ન મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજ એ અમારા પરિવારના સભ્યો છે. પરિવારના સભ્યો સાથે મળવું વાતચીત કરવી એ રોજિંદું કાર્ય છે. રાજપૂત સમાજ સાથે કોઈ સ્પેશિયલ બેઠક કે કોઈ વિષયોને લઈને બેઠક કરવામાં આવી નથી. પરિવારના સભ્યો હોય એમ સામાન્ય વાતચીત ચાલુ છે અને એ જ રીતે વાતચીત ચાલી રહી છે.