નર્મદા : આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્ત કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર પટેલનું સન્માન કર્યા પછી પીએમ મોદીએ એકતા શપથ લેવડાવ્યા અને કેવડિયાના પરેડ ગ્રાઉન્ડ ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં હાજરી આપી હતી.
'રાષ્ટ્રીય એકતા દિવસ' : વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, સરદાર પટેલનું કાર્ય ભાવિ પેઢીઓને પ્રેરણા આપતું રહે છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરતા કહ્યું, "ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર મારા વંદન. રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે"
भारत रत्न सरदार वल्लभभाई पटेल की जन्म-जयंती पर उन्हें मेरा शत-शत नमन। राष्ट्र की एकता और संप्रभुता की रक्षा उनके जीवन की सर्वोच्च प्राथमिकता थी। उनका व्यक्तित्व और कृतित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) October 31, 2024
સરદાર પટેલની જન્મજયંતિ : 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2014 થી આ દિવસને દેશભરમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમો દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે, જેમાં જીવનના તમામ ક્ષેત્રના લોકો ભાગ લે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ : 31 ઓક્ટોબર, 1875 ના રોજ નડિયાદમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલને પૂર્વ-સ્વતંત્ર ભારતના તમામ 562 રજવાડાઓને એક કરવા અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં મદદ કરવાનો શ્રેય આપવામાં આવે છે. સરદાર પટેલે 1947 થી 1950 સુધી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી. 15 ડિસેમ્બર, 1950 ના રોજ તેમનું અવસાન થયું હતું.