વડોદરા: વડોદરા શહેરના દશામાંની મૂર્તિ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે વિસર્જન દરમિયાન થોડીક જ દશામાની મૂર્તિમાં આ કુત્રિમ તળાવ છલોછલ ભરાઈ ગયું હતું. જેને લઈને ભક્તોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો હતો. માતાજીની આવી અવદશાને પગલે સવાર પડતા જ માંજલપુરમાં ભક્તોએ એકત્રિત થઈ ભાજપા હાય...હાય... ના વિરોધ નારા લગાવ્યા હતા.
તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા: પરંતુ માહોલ ગરમાતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે ભાજપાના દંડક શૈલેષ પાટીલે ટ્રાયલ બેઝ ઉપર કહીને છટક બારી શોધતા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. મહત્વનું છે કે ભક્તોની આસ્થા સાથે ખિલવાડ કરતાં તંત્રની કામગીરી સાવ ઊણી ઉતરી છે. એટલું જ નહીં પરંતુ હજી સૂકા ગાળામાં જ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાશે ? જે ચર્ચાએ વડોદરા શહેરમાં ભારે વેગ પકડ્યો છે.
શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો: વડોદરામાં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારથી દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરમાં મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી. કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધુ આવી જતા કેટલાંક શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. અને મૂર્તિ પરત લઇ ગયા હતા. માંજલપુરમાં બનાવેલો કૃત્રિમ કુંડ દશામાની મૂર્તિથી ઉભરાય ગયો હતો. મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વહીવટી તંત્રની લોકોની આસ્થા સાથે રમત?: દશામાનુ વ્રત આવે ત્યારે ભક્તો પોતાની માતાને રીઝવવા માટે દસ દિવસ ઉપવાસ કરીને ભારે શ્રદ્ધાભેર માતાની આગતા સ્વાગતા કરી ભારે ઉલ્લાસથી માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે વડોદરા કોર્પોરેશનની પોલ ખુલી છે. વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કરેલી વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. કોર્પોરેશનને પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે. તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? શા માટે લોકોની આસ્થા સાથે રમત? ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલી પડી છે, આવાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
ઉપસ્થિત લોકોએ તો જણાવ્યું હતું કે હવે ગણપતિ મહોત્સવમાં પણ કોર્પોરેશન આ પ્રકારની કામગીરી કરશે, તો વડોદરા શહેરના ભાવી ભક્તો આ બાબતે ચલાવી લેશે નહીં અને વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરશે. જે ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
ભારે શ્રધ્ધાભેર પૂજા અર્ચના: શહેરમાં અપાર ભક્તિ ભાવપૂર્વક ઉજવાતા માં દશામાના વ્રતમાં મૂર્તિઓની વિસર્જન માટે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ દરેક ઝોનમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી જ હોય છે. કોર્પોરેશન દ્વારા દશામાના વ્રત બાદ આવતા ગણેશ વિસર્જનની તૈયારીના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા કરીને વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવતા હોય છે અને તે તળાવોમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે.
પરંતુ આ વખતે ટેન્ડર પ્રક્રિયા મોડી થવાના કારણે કોર્પોરેશન કૃત્રિમ તળાવ બનાવી ન શકતા કોર્પોરેશનને હરણી તળાવમાં વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. ગત વર્ષે હરણી રોડ ઉપર કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે માંજલપુર કૃત્રિમ તળાવની ક્ષમતા કરતાં વધુ શ્રદ્ધાળુ મૂર્તિ લઈને પહોંચ્યા છે. જો કે, કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધી જતા શ્રદ્ધાળુઓએ પાછા જવું પડ્યું છે.
કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ: શહેરમાં વિસર્જન કરવા ગયેલા અને સામાજિક આગેવાન અતુલ ઘામેચીએ જણાવ્યું હતું કે, આજે 10 દિવસ બાદ માં દશામાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પાલિકાએ ગોરવા, માંજલપુર અને હરણી તળાવની બાજુમાં કુંડ બનાવી વિસર્જનની વ્યવસ્થા કરી છે. શહેરનાં પૂર્વ અને ઉત્તર ઝોનના હજારો શ્રદ્ધાળુઓ અહીંયાં વિસર્જન અર્થે આવ્યા છે અને હજુ લોકોની લાઇનો છે. આ કુંડ ભરાય ગયો છે. પાણી કરતાં ઉપર મૂર્તિઓ આવી ગઈ છે, અહીં મૂર્તિઓના થપ્પા લાગ્યા છે. ત્યારે પાલિકા ફરી એકવાર આયોજનમાં નિષ્ફળ રહી છે. ત્યારે આવનારા સમયમાં યોગ્ય વ્યવસ્થા થાય તેવી અમારી માગ છે.