મોરબી: રાજકોટ જિલ્લામાં PI સંજય પાદરીયા અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. જે અંતર્ગત PI સંજય પાદરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યું હતું અને જયંતિ સરધારાને ઇજાઓ થતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા પોલીસ ફરિયાદ પછી PIને નોટીસ પાઠવીને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના: મળતી વિગત મુજબ ગત 25 નવેમ્બરના રોજ કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન PI સંજય પાદરીયા અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ભેગા થયા હતા. ત્યારે લગ્ન પ્રસંગ દરમિયાન સૌપ્રથમ જયંતિ સરધારા PI સંજય પાદરીયા પાસે જઈને કંઈક વાતચીત કરી રહ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. મારામારીની ઘટના બન્યા બાદ જયંતિ સરધારા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમજ બનાવ બન્યાની ગણતરીની કલાકોમાં જ જયંતિ સરધારા દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે PI સંજય પાદરીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
PI સામે પોલીસ ફરિયાદ: વધુમાં મળતી વિગત મુજબ જયંતિ સરધારા દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં તેમજ પોલીસ દ્વારા જે પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે તેમજ જે હાજર સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા જે અંતર્ગત એક વાત સ્પષ્ટ થઈ હતી કે, બનાવ સમયે PI સંજય પાદરીયા પાસે સર્વિસ રિવોલ્વર કે પોતાનું પરવાના વાળું હથિયાર નહોતું. તેમજ સંજય પાદરીયા દ્વારા કોઈપણ જાતના હથિયાર વડે જયંતિ સરધારા ઉપર હુમલો કરવામાં નહોતો આવ્યો. જેના કારણે રાજકોટ શહેર પોલીસ દ્વારા શનિવારના રોજ કોર્ટમાં બીએનએસ ની કલમ 109 (1) રદ્દ કરવા તેમજ 117 (2)નો ઉમેરો કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જે અંતર્ગત સોમવારના રોજ કોર્ટ દ્વારા કલમ 117 (2)નો અગાઉ નોંધેલી ફરિયાદમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. જ્યારે કે કલમ 109 (1) હટાવવા સંદર્ભે પોલીસને સમરી ભરવા જણાવવામાં આવ્યું હતું.
PI પાદરીયાને નોટીસ પાઠવી છોડી દેવાયા: પોલીસ ફરિયાદ આધારે સીસીટીવી પણ મીડિયા સમક્ષ સામે આવ્યા હતા. જેમાં સ્પષ્ટ થયું હતું કે, વિવાદની શરૂઆત PI પાદરીયા દ્વારા નહીં પરંતુ જયંતિ સરધારા દ્વારા જ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારે ફરિયાદ નોંધાયાના 7મા દિવસે PI સંજય પાદરીયા તપાસનીશ અધિકારી બી. જે. ચૌધરી સમક્ષ હાજર થયા હતા. તપાસનીશ અધિકારી સમક્ષ PI સંજય પાદરીયા હાજર થતા પોલીસ દ્વારા તેમનું સત્તાવાર રીતે નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેની સાથે જ પોલીસ દ્વારા તેમને નોટિસ પાઠવી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે ઘરે પહોંચ્યા બાદ PI સંજય પાદરિયાના સમર્થકો તેમજ અડોશ પડોશના લોકો દ્વારા પુષ્પ માળા પહેરાવીને તેમજ મોં મીઠા કરાવીને અને ફટાકડા ફોડીને સંજય પાદરીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: