રાજકોટ: ગોંડલ હાઈવે પર શાપર નજીક પરપ્રાંતીય શખસે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ અપાવવાની લાલચ આપી ઉઠાવી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને રસ્તા પર ફેંકી દીધી હતી, ત્યારે આ ઈસમ પોલીસ પકડી જવાના ડરથી પરત પોતાના વતન તરફ નાસી છૂટ્યો હતો તેવી માહિતી સામે આવી છે. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અલગ-અલગ વિસ્તારના 100 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી 3,700 કિલોમીટરનું અંતર કાપી ઉત્તરપ્રદેશથી આ ઈસમને ઝડપી પાડ્યો છે. આ ઈસમ પરિણીત હતો અને પત્ની સાથે અણબનાવ હોવાથી બન્ને અલગ થઈ ગયાં હતાં. ઈસમ છેલ્લા દોઢ વર્ષથી શાપરમાં અલગ-અલગ ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
નરાધમે બાળકીને રસ્તા પર ફેંકી દીધી: રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 16-03-2024 ના રોજ એક મહિલા ફરિયાદીએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે સાડા ત્રણ વર્ષની દીકરીનું કોઈ શખસે અપહરણ કરી બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. એ બાદ તેને કણસતી હાલતમાં રસ્તા પર છોડી દીધી છે. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેના શરીર પર તેમજ ગુપ્ત ભાગે ઇજાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ દ્વારા ઉ.પ્ર સ્થાનિક પોલીસ, LCB તેમજ SOG પોલીસની ટીમને સાથે રાખી તપાસ હાધ ધરવામાં આવી.
ઈસમ મૂળ ઉત્તરપ્રદેશનો વતની: પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઈસમ મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને છેલ્લા દોઢેક વર્ષથી તે શાપર ખાતે આવેલી અલગ-અલગ ફેકટરીમાં મજૂરીકામ કરતો હતો. પોતે પરિણીત છે, પરંતુ પત્ની સાથે અણબનાવ થતાં એકલો રહેતો હતો. આ સાથે આ ઈસમે બાળકીને ચોકલેટ ખાવાની લાલચ આપી બાદમાં તેને ઉઠાવી જઈ અવાવરૂ જગ્યા પર તેની સાથે દુષ્કર્મ આચરી રસ્તા પર ફેંકી દીધી હતી. હાલ પોલીસે ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અહિયાના શાપર-વેરાવળમાં હાઇવે પર કસુંબા બેરિંગ ગેટની પાસે શનિવારે બપોરે બાળકી એક કારચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં મળી હતી. એ બાદ તે બાળકીને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. બાળકીનાં માતા-પિતા હયાત નથી, તે દાદી સાથે રહે છે. તે અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે નરાધમે બાળકીને ચોકલેટ લઇ આપવાની લાલચ આપી ઉઠાવી ગયો હતો.