પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના લોકોએ ગામની દીકરીની પુત્રીનું મામેરુ ભરી નાના અને મામાની ખોટ પૂરી કરી પ્રેરણાદાયી સામાજિક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્તમાન સમયમાં ભુલાતા જતા આત્મીયતાના સંબંધોને નવી તાજગી ઉંદરા ગામના લોકોએ બક્ષી છે. સમસ્ત ઉંદરા ગ્રામજનો ઘર દીઠ ઉઘરાવેલા અંદાજે 7 લાખથી વધુનું મામેરુ વાંચજે ગાજતે કલાણા ગામે પહોંચ્યા અને ઉંદરાની ભાણીનું મામેરુ ભેટ ધરતા ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા.
પાટણની પ્રભુતા : સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે રહેતા ગીતાબેન ઠાકોરના લગ્ન કલાણા ગામે થયા હતા. લગ્નના વર્ષો બાદ માતા-પિતા અને ભાઈનો સ્વર્ગવાસ થતા પિયરમાં મહિલાનું કોઈ પરિજન રહ્યું ન હતું. છતાં પિયરની મમતા તેમને છૂટી ન હતી. આ દરમિયાન ગીતાબેનની દીકરી શિલ્પાના લગ્ન લેવાયા હતા. ત્યારે ભાણીના મોસાળમાં કોઈ ન હોવાથી તેનું મામેરુ કોણ ભરશે તેને લઈ દીકરીની માતા ગીતાબેન મનોમન મૂંઝવણ અનુભવી રહ્યા હતા.
માતાની વેદના : લગ્નની તારીખ નજીક આવતા અને લગ્નની કંકોત્રી છપાતા ગીતાબેન એક કંકોત્રી લઈ પોતાના પિયર ઉંદરા ગામે ગયા હતા. ગામના આસ્થાનના સ્થાનક એવા ક્ષેત્રપાળ વીર દાદાના મંદિરે લગ્નની કંકોત્રી મૂકી આમંત્રણ પાઠવી અશ્રુભીની આંખે બહાર આવ્યા હતા. આ સમયે ગામના કેટલાક લોકોએ મહિલાને રડતા જોયા. ગ્રામજનોએ રડવાનું કારણ પૂછતાં ગીતાબેને પુત્રીના લગ્નના મામેરાની ચિંતા અને મૂંઝવણ જણાવી દાદાના મંદિરે કંકોત્રી મૂકી હોવાનું જણાવ્યું હતું.
ગ્રામજનોએ આત્મીયતા નીભાવી : ગામની દીકરીની વ્યથાની આ વાત ઠાકોર સમાજ અને સમગ્ર ગામમાં પ્રસરતાં સમસ્ત ગામ લોકોએ એકઠા થઈ એક બેઠક બોલાવી અને મામેરાની વાત મૂકી હતી. જેમાં ગામના દરેક સમાજના લોકોએ એક જ સૂરમાં સમસ્ત ગામ વતી મામેરુ કરવાનું નક્કી કરી ફાળો એકત્ર કર્યો હતો. જેમાં અંદાજે 7 લાખથી વધુની રકમ એકત્ર થઈ હતી. લગ્ન પહેલા જાણે કે ગામનો જ પ્રસંગ હોય તેમ ગામ લોકો ડીજે અને ઢોલના તાલે નાચતા કૂદતા આનંદ ઉલ્લાસ સાથે કલાણા ગામે મામેરુ લઈને પહોંચ્યા હતા.
ભાવવિભોર દ્રશ્યો સર્જાયા : કલાણા ગામ લોકોને આ વાતની જાણ થતા ઉંદરા ગામના લોકોની આત્મીયતાની ભારે પ્રશંસા કરી હતી. લગ્નમાં પિતા અને ભાઈની ખોટ પૂરી કરવા સમગ્ર ઉંદરા ગામના ત્રણ હજારથી વધુ લોકો એક સાથે મામેરુ લઈને આવતા ગીતાબેનની આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા, ઉમળકાભેર તેઓએ મામેરાને વધાવ્યું હતું. આ સમયે ભાવવિભોર દ્રશ્યો જોઈ કલાણા ગામ લોકો અને ગીતાબેનના સાસરી પક્ષના લોકો ભાવુક થયા હતા.
સામાજિક સમરસતા : પિયરમાં માતા-પિતા, ભાઈ કે કુટુંબમાં કોઈપણ ના હોવાથી મામેરાને લઈને મૂંઝવણ અનુભવી રહેલા ગીતાબેન ઠાકોરના માંડવે સમસ્ત ઉંદરા ગામના લોકો વાજતેગાજતે મામેરુ લઈને આવી પહોંચતા તેઓની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. બીજી તરફ ગામ લોકો મામા બનીને મામેરુ લઈ આવતા શિલ્પાની આંખમાંથી પણ હર્ષના આંસુ સરી પડયા હતા.
પ્રેરણાદાયી ઉદાહરણ : વર્તમાન સમયમાં કુટુંબો વચ્ચે વેરઝેરને કારણે કેટલાક લોકો એકબીજાના સારા નરસા પ્રસંગોમાં જવાનું પણ ટાળતા હોય છે. ત્યારે સમસ્ત ઉંદરા ગામના લોકોએ આત્મીયતા સાથે ગામની ભાણીનું મામેરુ ભરી સમરસતા, એકતા અને આત્મીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.