મહેસાણા : પાટણમાં પાટીદારોની સભાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં અનામત આંદોલનમાં પાટીદાર સમાજના લોકો પર થયેલા અત્યાચારનો બદલો લેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. મહેસાણા પાસના કન્વીનર સતીષ પટેલનું નિવેદન આ વિડીયોમાં સામે આવ્યું છે.
પાટણમાં પાટીદાર બેઠક : પાટણમાં પાટીદાર સમાજની સભામાં પાસના કન્વીનર સતીષ પટેલ પાટીદારોને શપથ લેવડાવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. અનામત આંદોલનમાં પાટીદાર સમાજના લોકો પર થયેલા અત્યાચારનો બદલો લેવા શપથ લેવડાવ્યા હતા.
સતીષ પટેલનું આહવાન : આ સમગ્ર મામલે સતીષ પટેલનું નિવેદન હતું કે, પાટીદાર સમાજ પહેલેથી ભાજપ સાથે વણાયેલો છે. અનામત માંગી તો પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો. આંદોલન દરમિયાન કરેલા કેસો પરત ખેંચવાની માંગ હજુ નથી પૂરી કરાઈ. પાટીદાર સમાજ પર અત્યાચાર કરનાર અધિકારીઓ પર પગલાં લેવાયા નથી.
ભાજપને આપ્યો પડકાર : પાટીદાર સમાજને હજી ન્યાય મળ્યો નથી. 26-0 નું ભાજપનું અભિમાન આ વખતે ઉતારવાનું છે. અમે શપથ લેવડાવ્યા અને દરેક પાટીદાર કોંગ્રેસને વોટ આપે. પાટણના ચંદનજી ઠાકોરને વોટ આપવા અપીલ કરી હતી. પાટણ બાદ રાજ્યમાં પણ પાસ કન્વીનરો આવું આયોજન કરી શકે છે.
સતીષ પટેલના ચાબખા : ભાજપમાં જોડાયેલા પાસ આગેવાનોની વેદના હતી. એમને કહેવાયેલું કે જેલમાં રહેવું છે કે મહેલોમાં રહેવું છે ?ઇડી અને પોલીસનો ડર બતાવી તેમને ભાજપમાં લઇ લેવાયા. એમની પરના કેસ હટી જશે તો તે પાછા આંદોલનમાં આવી જશે. હાર્દિક પટેલ, વરૂણ પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ દરેકને સમાજની વેદના છે. જે દિવસે ભાજપમાં જોડાયેલા અમારા આગેવાનો પરના કેસ પાછા ખેંચાશે ત્યારે મને ખાત્રી છે કે પરત આવી જશે.