પાટણ : અયોધ્યામાં શુભ મુહૂર્તમાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ શુભ મુહૂર્તમાં સમગ્ર દેશમાં વિવિધ ગાયનેક હોસ્પિટલમાં અનેક દીકરા દીકરીઓના જન્મ થતા માતાપિતાએ બાળકોના નામ રામ અને સીતા રાખ્યા છે. ત્યારે પાટણની એક ખાનગી હોસ્પિટલમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તમાં બનાસકાંઠાના શિહોરી તાલુકાના ડુચકવાડાની મહિલાએ પ્રસૂતિ દરમિયાન પુત્રને જન્મ આપતા પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી છે.
શુભ મુહૂર્ત સમયે બાળકનો જન્મ : ડુચકવાડાની હીનાબેન ચૌધરી નામની મહિલાને પ્રસૂતિનો પીડા ઉપડતા તેને સારવાર અર્થે પાટણની ડીજી વુમન્સ નામની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. રામ મંદિર પ્રતિષ્ઠાના શુભ મુહૂર્ત સમયે જ આ મહિલાએ પુત્રને જન્મ આપતા પરિવારજનો સહિત હોસ્પિટલના સ્ટાફમાં પણ ખુશી અને આનંદ છવાયો હતો.
ઘરે રામ પધાર્યાની અનુભૂતિ : બાળકના દાદી ગંગાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આજે ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મારા ઘરે રામ આવ્યા હોય એવી અનુભૂતિ થઈ રહી છે. ત્યારે હવે આ બાળકનું નામ રામ રાખીશું તેમ જણાવ્યું હતું. બાળકના પિતા બાબુભાઈ ડામરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ડોકટરે ગુરુવારની તારીખ આપી હતી. પણ આજે દુખાવો થતાં બતાવવાં આવ્યાં હતાં અને દાખલ કરતા આજે મારા ઘરે દીકરાએ જન્મ લીધો છે, તેથી તેનું નામ રામ રાખ્યું છે. આજના દિવસે દીકરાનો જન્મ થતાં પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
સિઝેરિયન કરી બાળક લીધું : ડીજી વુમન્સ હોસ્પિટલના ડોક્ટર જય પટેલે જણાવ્યું હતું કે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અગાઉની પ્રસૂતિ સમયે મહિલાનું ઓપરેશન કરી બાળક લેવામાં આવ્યું હતું જેથી આજે પણ સિઝેેરીયન કરી બાળક લેવામાં આવ્યું છે. મહિલા અને બાળક બંનેની તબિયત સ્વસ્થ છે.
મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમયે જન્મ : અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો અને મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી હતી તે સમયે જ મહિલાએ પ્રસૂતિ દરમિયાન પુત્રને જન્મ આપતા પરિવારજનોએ બાળકનું નામ રામ રાખ્યું છે.