પાટણઃ શહેરના રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રી રામ લલ્લાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકીય પક્ષોના આગેવાનો, હિન્દુ પરિષદ અને રામનવમી શોભાયાત્રા સમિતિના કાર્યકરોએ ભગવાન શ્રી રામ લલ્લાની આરતી ઉતાર્યા બાદ મૂર્તિને રથમાં બિરાજમાન કરાવીને જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
2 રથમાં નીકળી શોભાયાત્રાઃ પાટણ શહેરના છીંડીયા દરવાજા પાસે આવેલ રામજી મંદિર ખાતે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બપોરે 12 કલાકે ભગવાનના પ્રાગટ્ય સમયે મંદિરમાં ભજન કીર્તન સાથે ઉજવણી કરાઈ હતી. ચાલુ વર્ષે ભગવાન રામની 2 પ્રતિમાઓને 2 અલગ-અલગ રથોમાં પ્રસ્થાપિત કરાઈ હતી. જેમાં અયોધ્યા ખાતે ભગવાન રામલલાની જે મૂર્તિ છે તેવી જ શ્યામ વર્ણની 3 ફૂટ ઊંચી પથ્થરની મૂર્તિને પ્રથમ રથમાં બિરાજમાન કરાઈ હતી. જ્યારે બીજા અર્થમાં રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજીની મૂર્તિઓને પ્રસ્થાપિત કરવામાં આવી હતી.
સરયુ નદીના જળનો પ્રસાદઃ પાટણ વિશ્વ હિન્દુ પરિષદ રથયાત્રા સમિતિ તેમજ રાજકીય પાર્ટીના આગેવાનો-કાર્યકરોએ ભગવાન રામલલ્લાની આરતી ઉતારી હતી. ત્યારબાદ જય સિયારામના નારા સાથે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રથયાત્રામાં અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાએ ધારણ કરેલા વસ્ત્રો તેમજ પૂજન કરેલી ચાંદીની પાદુકાને પણ બગીમાં દર્શનાર્થે મૂકવામાં આવી હતી. તેમજ સરીયુ નદીનું જળ પણ શ્રદ્ધાળુ ભક્તોને ચરણામૃત સ્વરૂપે પ્રસાદમાં અપાયું હતું.
શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગતઃ ભગવાન રામલલ્લાની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થતાં શ્રદ્ધાળુ ભક્તોએ ભગવાનની પૂજા અર્ચના કરી આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો. શોભાયાત્રના વિવિધ માર્ગો ઉપર વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહીનીની યુવતીઓ દ્વારા તલવારબાજીના કરતબો કરવામાં આવ્યા હતા. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બીજી તરફ બજરંગ દળના યુવાનોએ લાઠી તેમજ તલવારબાજીના કરતાબો કર્યા હતા. રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ ભજન મંડળીઓ તેમજ સામાજિક સંસ્થાઓના ટેબ્લો જોડાયા હતા. રામનવમી શોભા યાત્રાને લઈને શહેરની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પાણી શરબત, છાશ સહિતના 40 થી વધુ સેવાકેમ્પો કાર્યરત કર્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ રથયાત્રા સમિતિ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 2 રથમાં સંયુક્ત રીતે શોભાયાત્રા નીકાળવામાં આવી રહી છે...ભરત જોશી (નગર મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ, પાટણ)