પાટણઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને આડે હવે માત્ર એક દિવસ બાકી છે ત્યારે સમગ્ર દેશ રામમય થઈ ગયો છે. દરેક ગામ અને શહેરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ સંદર્ભે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ 'મન કી અયોધ્યા' કાર્યક્રમ અંતર્ગત 5 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કુલ 108 કુંડી સમરસતા યજ્ઞ યોજાઈ ગયો.
સમરસતાનું ઉદાહરણઃ આજે હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 108 કુંડી સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીમાં ફરજ બજાવતા તમામ જ્ઞાતિના કર્મચારીઓ બિરાજમાન થયા હતા. એક મંચ પરથી યજ્ઞ કુંડમાં સામૂહિક રીતે આહુતીઓ આપી સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા લેખક અને વકતા જય વસાવડાના ઉદ્દબોધનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા પ્રભુ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત 'મન કી અયોધ્યા' કરીને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી આજે 108 કુંડી સમરસતા હવન કરવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટીના દરેક કર્મચારીઓએ કોઈ પણ જાતના ભેદભાવ વિના સમરસતા પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સંદર્ભે જય વસાવડાના ઉદ્દબોધનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે...આર.એન. દેસાઈ(કુલપતિ, હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, પાટણ)
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે 'મનકી અયોધ્યા' થીમ પર પંચ દિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે વિશેષ સામાજિક સમરસતા ભાગરૂપે 108 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ થકી યુનિવર્સિટીએ સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે...રાજુ ઝાલા(કર્મચારી, હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, પાટણ)