રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધ ક્ષત્રિયાણીઓનો રોષ એ હદે છે કે પદ્મિનીબા વાળા દ્વારા અન્નજળનો ત્યાગ કરવામાં આવ્યો છે. તેઓ રૂપાલાની ટિકીટ રદ ન થાય ત્યાં સુધી તેઓ ઉપવાસ છોડશે નહીં. તેઓ સાથે ખાસ વાતચીત જૂઓ આ વિડીયોમાં.રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા અપાયેલા વાંધાજનક નિવેદનને લઈને ક્ષત્રાણીઓ મેદાનમાં આવતાની સાથે હવે આ લડત માત્ર પુરષોત્તમ રૂપાલાનાં વિરોધ પૂરતી સીમિત નથી રહી, પરંતુ આ લડતમાં અનેક શોષિત મહિલા અને દીકરીઓ જોડાતા હવે આ ક્ષત્રાણીઓની શાખા આવી શોષિત મહિલાને પણ તેમના સ્વમાન કાજે લડવા માટે મંચ આપશે તેવું કરણી સેનાનાં કાર્યકારી સભ્ય અને ભારતીય જનતા પક્ષમાં હાલમાં જ જોડાયેલા સદસ્ય પદ્મિનીબા વાળાએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
હવે ભાજપ મોવડીમંડળ તરફ નજર : પદ્મિની બાએ જયાં સુધી રૂપાલાની ટિકીટ રદ ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરેલો છે અને ગુરુવારે એમનાં આ અન્નજળ ત્યાગનો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનનો બીજો દિવસ હતો. બુધવારે ગાંધીનગર ખાતે મળેલી ક્ષત્રિય સભામાં રૂપલાની ટિકીટ રદ કરવા મુદ્દે ક્ષત્રિય સમાજનાં આગેવાનોનો એક સૂર નોંધાતા હવે ભારતીય જનતા પક્ષ કઈ દિશામાં અને શું નિર્ણય લેશે તે મુદ્દે સહુ નજર રાખીને બેઠા છે
બોયકોટ રૂપાલા પોસ્ટર વોર : ત્યારે ક્ષત્રિય સમાજ પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ બોયકોટ રૂપાલાનાં ઠેર-ઠેર પોસ્ટરો લગાવ્યા બાદ હવે ઘેર-ઘેર જઈને રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા માટે અન્ય સમાજનાં લોકોને પણ અપીલ કરશે. ગઈકાલે રાત્રે ક્ષત્રિય યુવાનોએ રાજકોટ સ્થિત મા આશાપુરાનાં મંદિર ખાતે ભાજપ વિરુદ્ધ કચકચાવીને મતદાન કરવાનાં શપથ લીધા બાદ, આ મુદ્દો હવે ટૂંક સમયમાં શાંત પડે તેવા કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. કારણ કે ક્ષત્રાણીઓ રૂપાલા વિરુદ્ધ જોહર કરવા સુધી પણ આંચકાશે નહીં તેવું નિવેદન પદ્મિનીબાએ ETV ભારત સાથેની વાતચીતમાં કરેલ હતું. જોહર એટલે એવી પ્રથા જેમાં જૂના રાજવી યુગોમાં જ્યારે લડાઈમાં જે ક્ષત્રિય રાજા હારી જતા તો એવા સમયે એ રજવાડાની સ્ત્રીઓ એટલે ક્ષત્રાણીઓ પોતાની આબરૂનાં રક્ષણ કાજે પોતાની જાતને જીવતા અગ્નિમાં હોમી દેતા.
પદ્મિનીબા વાળા સાથેની વાતચીત :
પ્રશ્ન : જોહર કઈ રીતે ક્ષત્રાણીઓ કરવા માંગે છે?
જવાબ : જોહર ક્યારે થાય છે કે જ્યારે ક્ષત્રાણીઓની માન-આબરૂ ક્યારે સાંચવવી અમારી માન કે આબરૂ પર જ્યારે કોઈ વ્યક્તિ ગયું હોય ત્યારે અમે જોહર કરીએ.
પ્રશ્ન : તમારું જોહરનું આ પગલું શા કારણે છે?
જવાબ : 16,000 ક્ષત્રાણીઓએ એક સમયે જોહર કર્યું હતું. અમે સરકારને હવે એ રીતે જોઈ રહ્યા છીએ જેમાં હવે એવો સમય આવી ગયો છે કે અમારે હવે જોહર કરવું પડશે.
પ્રશ્ન : આપનું આ આંદોલન સોશિયલ મીડિયા પર કઈ રીતે જોર પકડશે?
જવાબ : સોશિયલ મીડિયામાં આ આંદોલન તુર પકડે તો હું એવી બહેન-દીકરીને પણ મદદ કરવા તૈયાર છું અને સોશિયલ-મીડિયાનાં માધ્યમ દ્વારા આવી કન્યાઓ અને સ્ત્રીઓ આગળ આવે અને આવા લોકોને ખુલ્લા પાડવા પણ આવી બહેનો દીકરીઓ આગળ આવી રહી છે, એટલે આ આંદોલન હવે માત્ર કોઈ રાજકીય વ્યક્તિનાં વિરોધ પૂરતું સીમિત નહિ રહીને સ્ત્રીઓનાં સ્વમાન કાજે પણ લડત આપશે એ દિશામાં ચોક્કસ આગળ વધી રહ્યું છે.
પ્રશ્ન : મોટા ભાગે રાજવી પરિવારો આવા વિરોધનું સમર્થન નથી કરતા તો એ દિશામાં આપ શું કરી રહ્યા છો?
જવાબ : ભાવનગર અને અન્ય રાજવી પરિવારો પણ અમારા સમર્થનમાં આવ્યા છે અને જે મહાસંમલેન યોજાઈ રહ્યું છે તેમાં એવા વગદાર ક્ષત્રિઓ અને સાધુ મહાત્માઓ અમારા સમર્થનમાં આવવાના છે.
પ્રશ્ન : ભાજપ એક તરફ ડેમેજ કંટ્રોલ માટે પ્રયત્નશીલ છે, આપ પણ ભાજપમાં છો, તો એવા સમયે આપનું સ્ટેન્ડ શું રહેશે?
જવાબ : ક્ષત્રિય સમાજ અને અમારું સ્ટેન્ડ બહુ મોટા પાયે રહેશે આ લડત અમે દેશું અને મોટા પાયે દેશું અને લડત એવું દેશું કે અમારો ઈતિહાસ રચાશે.
ક્ષત્રિય વકીલો મેદાનમાં આવ્યાં : એકતરફ જ્યારે ક્ષત્રિય સમાજમાંથી રૂપાળા વિરુદ્ધના સૂર તમામ ક્ષેત્રોમાંથી - સામાજિક તેમજ વ્યાવસાયિક ક્ષેત્રોમાંથી ઉભા થઈ રહ્યા છે, કારણ આજે રાજકોટ સ્થિત ક્ષત્રિય વકીલોએ પણ રૂપાલાની ટિકીટ રદ કરાવવા તે મુદ્દે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને સાથેસાથે વિરોધ જતાવ્યો છે. તો બીજી તરફ પુરષોત્તમ રૂપાલાની તરફેણમાં તેમનું સમર્થન કરતા પોસ્ટરો પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં લાગવાના શરુ થઈ ગયા છે. આ પોસ્ટરોમાં ચોટીલા પાસે આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્રભાઈ સોલંકી ઉર્ફે નરેન્દ્ર બાપુની તસ્વીર પુરષોત્તમ રૂપાલા સાથે અને અબકી બાર 400 પારવાળા નારા સાથે જોવા મળી રહી છે.
પાટીદારોમાં વિચારણા શરુ : જ્યારે પુરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર આગેવાનો આગળ આવી રહ્યા છે તેમજ પાટીદાર સમાજમાં પણ પુરષોત્તમ રૂપાલાને સમર્થન આપવાનાં મુદ્દાને વેગવાન કેમ બનાવવો તે દિશામાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો, ગામોમાં પાટીદાર આગેવાનો વચ્ચે બેઠકોનો દોર અને ધમધમાટ શરુ થયાનાં અહેવાલો સાંપડી રહ્યા છે.
ઘટના ક્રમ પર રાજકીય પંડિતોની ચાંપતી નજર : આવી પરિસ્થિતિમાં કોંગ્રેસના ધોરાજી-જામકંડોરણા-ઉપલેટા વિસ્તારનાં નેતા લલિત વસોયાએ પાટીદારોને ક્ષત્રિયો વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરીને કોઈ કોમી એખલાસનું વાતાવરણ ન ડહોળાય તેવી અપીલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાર વિડીયો દ્વારા વાયરલ કર્યો છે. બુધવારે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સંમેલનમાં જે સૂર ઉઠ્યાં તે બહુ સ્પષ્ટ છે કે ક્ષત્રિયો રૂપાલાની રાજકોટ લોકસભાની ટિકીટ રદ કરાવવા દ્રઢ છે. ત્યારે રૂપાલાનાં સમર્થનમાં અચાનક જ ઉભો થયેલો પાટીદાર સમાજ લોકો અને મતદારોનાં મનમાં ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યો છે અને એવા સમયમાં આગામી દિવસોમાં રાજકોટ ખાતે યોજાનારા ક્ષત્રિય સંમેલનમાં શું નિર્ણય લેવાશે તેનાં પર રાજકીય પંડિતોની ચાંપતી નજર છે.