રાજકોટ : પાછલા બે દિવસમાં રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પરશોત્તમ રુપાલાનાં સમર્થનમાં લગાવાયેલા પોસ્ટરો અને કિયોસ્કો હટાવાયા છે. આ પોસ્ટરો પાટીદાર બહુમતી ધરાવતા રાજકોટ પશ્ચિમનાં વિસ્તારમાં લગાવાયા હતા. લોકસભાની વર્ષ 2024માં યોજાનારી ચૂંટણીઓની આચારસંહિતાને ધ્યાને લેતા તંત્ર દ્વારા રૂપાલાનાં સમર્થનમાં લાગેલા પોસ્ટરો અને કિયોસ્કો હટાવાયા હતાં.
પાટીદારોના વિસ્તારમાં લાગ્યાં હતાં પોસ્ટર : પરશોત્તમ રુપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે વાંધાજનક વિધાનો ઉચ્ચાર્યા બાદ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ ફાટી નીકળ્યો હતો. રૂપાલા રાજકોટ લોકસભાની સીટ પરથી ચૂંટણી ન લડે અને તેમની ટિકિટ રદ કરવામાં આવે એ દિશામાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાનાં નેજા હેઠળ રૂપાલા વિરોધી જુવાળ સમગ્ર ગુજરાતમાં પ્રસરી જતા, રાજકોટ શહેરમાં ઠેક-ઠેકાણે બુધવારે બોયકોટ રૂપાલાનાં પોસ્ટરો ક્ષત્રિય સમાજનાં સભ્યો દ્વારા લગાવવામાં આવ્યા હતાં. જેના જવાબમાં રાજકોટ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં ક્ષત્રિય સમાજનાં વિરોધ કરતા પોસ્ટરો સામે રુપાલાના સમર્થનમાં ગુરુવારે પોસ્ટરો લાગ્યા હતાં.
બેઠકોનો ધમધમાટ : ગુરુવારે જ્યારે રુપાલાએ દિલ્હીથી અમદાવાદ આવીને મીડિયા સમક્ષ વાતચીત કરી હતી ત્યારે રુપાલાન બોડી લેન્ગવેજ જોતા જાણે રૂપાલાના સમર્થકોના જીવમાં જીવ આવ્યો હોય તેવો તરવરાટ આ સમર્થકોમાં જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજના ઉગ્ર વિરોધના જોહરરૂપી સ્વર સામે રાજકોટ સ્થિત પાટીદારો અગ્રણીઓ વચ્ચે પણ રુપાલાને સમર્થન આપવા મુદ્દે ગુરુવારે બેઠકોનો દોર અને ધમધમાટ રાજકોટ ખાતે જોવા મળ્યો હતો.
આચારસંહિતા હેઠળ હટાવ્યાં પોસ્ટર : એકંદરે રૂપલા મુદ્દે જે " પોસ્ટર વોર " સ્વરૂપી વિરોધી અને સમર્થનનાં સૂરો ક્ષત્રિયો અને પાટીદારો વચ્ચે બુધવાર અને ગુરુવારે જોવા મળ્યા હંતા, તે શુક્રવારે તંત્રએ એ પોસ્ટરો અને કિયોસ્કો આચારસંહિતા હેઠળ હટાવીને શાંત પાડી દીધા છે.