પાલનપુરઃ નગર પાલિકા હદ વિસ્તારમાં ગોવિંદા હેરિટેજ સોસાયટી આવેલ છે. જેમાં 40 મકાનો છે. આ મકાનોની આકારણી 2019માં કરવામાં આવી હતી. આ સોસાયટીના રહીશોને સ્ટ્રીટલાઈટની સુવિધા પુરી પાડવામાં આવે છે પરંતુ ધરોઈ આધારીત પાણી પુરવઠો છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પુરો પાડવામાં આવતો નથી. તેથી સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ અને લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તેમજ કોઈપણ રાજકીય પક્ષના આગેવાનોને પ્રવેશવાનો પ્રતિબંધ કરવામાં આવ્યો હોવાના બેનર લગાડાવાયા છે.
3 વર્ષથી પાણીની સમસ્યાઃ ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીની તદ્દન નજીક આવેલ અન્ય સોસાયટી કે જેમનુ બાંધકામ ગોવિંદા હેરિટેજ સોસાયટીના બાંધકામના ત્રણ -ચાર વર્ષ પછી થયેલ છતાં પણ તેમને ધરોઈ આધારીત પીવાના પાણીની સુવિધા આપવામાં આવે છે. જ્યારે ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં ધરોઈનું પાણી પૂરુ પાડવામાં આવતું નથી.
શું કહે છે નગર પાલિકા ?: પાલનપુરની ગોવિંદા હેરિટેજ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું ન હોવાની રહીશોની રાવને પગલે ચિફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે, કેટલાક ટેક્નિકલ અને ભૌગોલિક કારણોસર આ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નાખી પાણી પહોંચાડવાનું શક્ય બની શક્યું નથી. આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પૂરતા પ્રેશર સાથે પાણી મળી રહે એ માટે પાલનપુર નગરપાલિકા દ્વારા 71 કરોડના ખર્ચે અમૃત - 2 પ્લાન તૈયાર કરાયો છે. જેના ટેન્ડર અને એજન્સી નક્કી થઈ ગયેલ છે પરંતુ ચૂંટણી આચારસંહિતાને કારણે કામ શરૂ થઈ શક્યું નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.