ભાવનગર: જિલ્લાના મહુવામાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળી લાવવા માટે એક જાહેર જાણકારી પત્ર જાહેર કરીને આપવામાં આવી છે. જો કે ડુંગળીની આવક ધીરે ધીરે વધી રહી છે, ત્યારે યાર્ડ દ્વારા અજુગતો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ખેડૂત નજીક રહેતા વ્યક્તિને પૂછીને ડુંગળી યાર્ડમાં લાવવા માટે જાહેરમાં જાણ પત્ર દ્વારા કરી છે. શું છે મામલો જાણીએ અને કેમ લેવામાં આવ્યો નિર્ણય.
મહુવા યાર્ડ દ્વારા ખેડૂતોને ધીમે ધીમે લાવવા આદેશ: ભાવનગર જીલ્લો ડુંગળી પકવવાનો પીઠું કહેવામાં આવે છે, ત્યારે તેમાં મુખ્ય કેન્દ્ર મહુવા તાલુકો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે, તેવા સમયે યાર્ડ દ્વારા ખેડૂતોને લાલ કાંદાના વેચાણ માટે લાવતા ખેડૂતોને પત્ર લખીને એક જાહેર જાણ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ખેડૂત ભાઈઓ પોતાના કમિશન એજન્ટ ભાઈઓને સાથે સંપર્કમાં રહીને "ધીમે ધીમે" યાર્ડમાં ડુંગળી લાવવાની શરૂઆત કરે જેથી યાર્ડમાં ભરાવો થાય નહિ અને આવક બંધ કરવી પડે નહીં.
મહુવા યાર્ડમાં હાલમાં સ્થિતિ: મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં દોઢ લાખ થેલા ડુંગળીના પડ્યા છે, ત્યારે અમે આગામી દિવસોમાં યાર્ડમાં આવક બંધ કરવા માંગતા નથી. જેથી ખેડૂતોને જાહેર જાણ કરવામાં આવી છે કે, તેમના કમિશન એજન્ટના સંપર્કમાં રહીને સ્થિતિનો તાલ મેળવીને ધીમે ધીમે ડુંગળી લાવે જેથી કરીને ટ્રાફિક સમસ્યા કે ભાવ નીચા જવાની સમસ્યા ઊભી થાય નહીં.
ડુંગળીના ભાવ અગાવ અને હાલમાં કેવા: મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગભરુભાઈ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં દોઢ લાખ થેલા યાર્ડમાં હોય અને ભાવ 400 થી 500 રૂપિયા ખેડૂતોને મણના મળી રહ્યા છે, જ્યારે સફેદ ડુંગળીમાં 300 થી 400 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. જો કે ગત માસમાં સૌથી વધારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં અઢી લાખ જેટલા થેલાની આવક થઈ હતી. ત્યારે આવક બંધ ના કરવી પડે અને ભરાવો ન થાય એ માટે ખેડૂતોને ડુંગળી ધીમે લાવવા જણાવ્યું છે.
વધુ ભાવે વહેચાયેલા ખેડૂતના નામ જાહેર કરાયા કેમ: મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા સાત જાન્યુઆરીના રોજ વેચાયેલી ડુંગળીના ઊંચા ભાવને પગલે કેટલાક ખેડૂતોના નામ અને ભાવ ડુંગળી કયા ભાવે વેહચાય તે જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પ્રકારે ઇનામ વિતરણમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવતો હોય છે. ત્યારે ખેડૂતોના સૌથી ઊંચા ભાવથી લઈને નીચા ક્રમાંક સુધીના નામ સાથે ભાવને જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે યાર્ડના ચેરમેન ગભરુભાઈએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારે નામ જાહેર કરવાથી ખેડૂતોને ખ્યાલ આવશે અને ગુણવત્તા વાળો માલ યાર્ડમાં લાવશે જેથી તેના ભાવ સારા મળી રહે એ હેતુથી આપણે આ નામ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, નબળી ગુણવત્તા વાળા માલના ભાવ 200ની આસપાસ રહે છે.
આ પણ વાંચો: