જુનાગઢ: કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આજે બપોરના સમયે લિફ્ટ અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાય હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં છ જેટલા વ્યક્તિઓ સવાર હતા જેમાંથી બે વ્યક્તિઓને કરોડરજ્જુના ભાગે વધુ ઇજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું છે. બપોરના ચારથી પાંચ વાગ્યાના સમય દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા હોસ્પિટલ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
હોસ્પિટલના ટ્રસ્ટીઓએ ઘટનાને લઈને કહ્યુ: કેશોદની સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી મુકેશ શ્રીવાસ્તવે અકસ્માત બાદ જણાવ્યું હતું કે, બપોરના 4:30 થી 05:05 ના સમય દરમિયાન લિફ્ટમાં એક લિફ્ટમેનની સાથે હોસ્પિટલના બે કર્મચારી એક દર્દી અને તેના બે સગા લીફ્ટ માં નીચે ઉતરી રહ્યા હતા. આ સમયે આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બે વ્યક્તિને કરોડરજ્જુના ભાગે ઇજાઓ થતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે, જ્યારે અન્ય ચાર દર્દીઓને કેશોદમાં જ સારવાર આપવામાં આવી રહી છે. જોકે, રાજકોટ ખસેડાયેલા બે દર્દીમાંથી એકનું મોત નીપજ્યુ હોવાનું રાત થતાં સુધીમાં જાણવા મળ્યું હતું. હાલ તો સમગ્ર મામલામાં કેશોદ પોલીસમાં અકસ્માતની નોંધ કરીને કેશોદ પોલીસે પણ અકસ્માત બાદ સમગ્ર મામલામાં તપાસનો દોર શરૂ કર્યો છે.