કચ્છ: કચ્છના રોગાન કળાના કારીગર આશિષ કંસારાએ શ્રાવણ માસ નિમિતે શિવજીને સમર્પિત એક કૃતિ તૈયાર કરી છે. જેમાં 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે શિવલિંગ, શિવલિંગ પર જળાભિષેક, બીલીપત્ર, ફૂલ, બાજુમાં શિવજીનું ત્રિશૂળ અને ડમરુ પણ કંડાર્યો છે. એક દિવસની અંદર આ કૃતિ તૈયાર કરવામાં આવી છે.
રોગાનકળા મારફતે શિવભક્તિ: સરહદી જિલ્લો કચ્છ કલાકારોનું હબ બન્યું છે. હવે તો કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કળા વડે ઉજાગર કરતા થયા છે. ત્યારે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે 400 વર્ષ જૂની રોગાન કળામાં શિવજીની આરાધના કરતી કૃતિ કંડારી છે અને પોતાની શિવભક્તિ કળાના માધ્યમથી દર્શાવી છે.
400 વર્ષ જૂની કળા મારફતે શિવલિંગની કૃતિ: કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ રોગાન કળા મારફતે તૈયાર કરેલ શિવલિંગની આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું છે, તે ફાટી શકે છે. પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ ક્યારેય બગડતું નથી અને ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે.
જીણવટભર્યું કામ કરવામાં કુશળગત: સામાન્ય રીતે કચ્છના રોગાન કળાના કારીગરો મોટા ભાગે લાઇફ ઓફ ટ્રી અને કલ્પવૃક્ષની કલાકૃતિ જ રોગાન કળા મારફતે બનાવતા હોય છે. ત્યારે માધાપરના રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા 6 વર્ષથી રોગાન કળા સાથે સંકળાયેલા છે અને તેઓ દર વખતે કંઈક અલગ જ કૃતિ તૈયાર કરવા માટે તત્પર હોય છે. આમ તો રોગાન કળા ખૂબ કઠિન કળા માનવામાં આવે છે અને ખૂબ જીણવટભર્યું કામ હોય છે. જેમાં આશિષભાઈ માહેર છે.
પરંપરાગત કૃતિઓ સિવાયની કૃતિઓ મહેનત માંગી લે: ઉલ્લેખનીય છે કે અગાઉ આશિષભાઈએ રોગાન કળામાં ચંદ્રયાન 3, રામ દરબાર, વિશ્વ યોગ દિવસ લોગો, ભારતમાતા, રામ મંદિર જેવી કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. લુપ્ત થતી કળામાં કંઇક અલગ જ કરી તેને ઉજાગર કરવા માટે આશિષભાઇને રોગાન કારીગર તરીકે તત્પર રહેતા હોય છે. કલ્પવૃક્ષ અને લાઇફ ઓફ ટ્રી સિવાયની કૃતિઓ કે જે જોવામાં આકર્ષક લાગે છે. પરંતુ તે ખૂબ મેહનત પણ માંગી લે છે.