ગાંધીનગર: નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી સરકારી કર્મચારીઓની હડતાળ મોકુફ રહી છે. આવતા અઠવાડિયામાં ફરીથી સરકાર બેઠક કરશે. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ આ મુદ્દે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર સતત ચિંતિત છે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળમાં વિવિધ રજૂઆત કરાઈ હતી.
17મીએ કોઈ કાર્યક્રમ કરવાના નથી: વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, બધી માંગણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ મૂકી છે. તેમનું વલણ ખુબ જ હકારાત્મક છે. આગામી અઠવાડિયામાં બધી બાબતો લઈને ફરી મળવાનું થશે. સરકારે બધી માંગણી સાંભળી છે. સુખદ અંત લાવવામાં આવશે. કર્મચારી મંડળના વિવિધ પ્રશ્નો આવે છે સાથે વધુ બે પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે. સરકાર તમામ કર્મચારી મંડળ સાથે છે. 17મીએ કોઈ કાર્યક્રમ કરવાના નથી. રાજ્યનું કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય તો તેમને સાંભળવામાં આવશે. કર્મચારી મંડળના આગેવાનો પણ નરમ પડ્યા હતા.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, '17 તારીખે પેન ડાઉન અને લોક ડાઉન કાર્યક્રમ હતો. વર્ષ 2022માં કર્મચારીઓના 14 પડતર પ્રશ્નો 5 મંત્રીની સમિતિએ સ્વીકાયા હતા. 2005માં જૂની પેંશન યોજના અને કોન્ટ્રાક્ટર ભરતી સિવાય બધી માંગણી સ્વીકારી હતી, પરંતુ આ વાતને બે વર્ષ થઈ ગયા હોવા છતાં સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારી નથી.'
ઋષીકેશ પટેલે 1 અઠવાડિયા સમય માંગ્યો: તાજેતરમાં સરકાર સાથે વાતચીત દરમિયાન મંત્રીઓએ આશ્વાસન આપ્યું છે કે, જૂની પેંશન યોજાનામાં કેન્દ્ર સરકારના તાજેતરના નવી પેંશન યોજનાનો અભ્યાસ કરી નર્ણય લેવાશે. ગઈકાલે મંત્રી ઋષીકેશ પટેલે 1 અઠવાડિયા સમય માંગ્યો હતો. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ઓક્ટોબરમાં 4 રવિવારે વિરોધ પ્રદર્શન કરશે.
પેનડાઉન અને લોકડાઉનનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે: સરકારી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, 60 હજાર કર્મચારી 2005 પહેલાના છે. તેમણે શરૂઆતમાં પાંચ વર્ષ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી હતી. 2012 તેઓને કાયમી નિમણૂક થઈ હતી. તેઓ 2005 પહેલા સરકારી નોકરીમાં સિલેક્ટ થયા હોવાથી તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને જન્મદિનનો તારીખ 17 સપ્ટેમ્બરનો પેનડાઉન અને લોકડાઉનનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી મહિનાના કાર્યક્રમો યથાવત રહેશે.
આ પણ વાંચો: