ભાવનગર : ભાવનગર જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુ ભારે પ્રદૂષણનું કારણ બનતી જઇ રહી છે. મનુષ્ય જ નહીં જીવ માત્ર માટે આંતકવાદી બનેલા પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે ગૃહિણીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ મહત્ત્વને સમજી ગયેલા લોકો દ્વારા ભાવનગરમાં અનોખું અભિયાન શરૂ થયું છે. 50 ઝબલાંને બદલે એક કાપડની થેલી ફ્રી આપવામાં આવી રહી છે. ઈટીવી ભારત સંવાદદાતા દ્વારા અભિયાન ચલાવતા અને ઝભલાઓ આપતાં નાગરિકો સાથે વાતચીત કરી તો શું કહ્યું જાણો.
કાપડની થેલી આપવાનું અભિયાન : મનુષ્યોએ પોતાની સુવિધામાં વધારો કરવા માટે પ્લાસ્ટિક જેવી ચીજની શોધ કરી જે દાયકાથી ઉપયોગી પણ બન્યું. જોકેે આજે વર્તમાનમાં પ્લાસ્ટિક જીવસૃષ્ટિના પતનનું કારણ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જાગૃત થયેલો માનવી હવે મેદાનમાં ઉતર્યો છે. ભાવનગરની એક સંસ્થાએ અનોખો પ્રયોગ હાથ ધર્યો છે જેમાં એક વ્યક્તિને સામે કાપડની થેલી મળે છે. પરંતુ સવાલ પ્લાસ્ટિકના ઉત્પાદન સામે ઉભો થયો છે. નાગરિકો શું માને છે અને સંસ્થાનો નવો પ્રયોગ શું છે અને તેમાં ગૃહિણીઓ શું મહત્વની ભૂમિકા ભજવી શકે છે તે જોઇએ.
ઝભલાં આપીને કાપડની થેલી લેતાં નાગરિકોનો પ્રતિભાવ : ભાવનગરની તપસી બાપુની વાડીમાંકાપડની થેલી આપવાનું અભિયાન દરમિયાન થેલી લેતા નાગરિકોએ પોતાના મત આપ્યા હતાં. સ્થાનિક નાગરિક વિજયભાઈ ગોહિલે જણાવ્યું હતું કે બંને કામ કરવું જોઈએ. પબ્લિકે તો જાગૃત થવું જ જોઈએ.
જ્યારે હું બહાર નીકળું ત્યારે મારા સ્કૂટર કે કોઈપણ વ્હીકલ હોય એમાં હું થેલી સાથે જ રાખું છું. બને ત્યાં સુધી ઝભલાં કોઈ દિવસ લેતો જ નથી. મારું માનવું એવું છે કે સૌથી પહેલું તેનું ઉત્પાદન જ સરકારે બંધ કરાવી દેવુ જોઈએ તો ઉત્પાદન થાય તો બહાર નીકળે ને, ઉત્પાદન જ ન થાય તો? પબ્લિકે પોતે જાગૃત થવાની જરૂર છે કે પોતે સામેથી પોતાના સાથે કોઈપણ કાપડની કે કોઈપણ જાતની થેલી હોય એ સાથે લઈને નીકળે તો એને ઝભલાં લેવાની જરૂર ન પડે...વિજયભાઈ ગોહિલ ( સ્થાનિક )
પ્લાસ્ટિક નાબૂદીમાં ગૃહિણીઓની મહત્વની ભૂમિકા : કોઈ પણ શહેર હોય, ગૃહિણીઓ હંમેશા મોટા ભાગે નાનીમોટી ખરીદી કરવા જતી હોય છે. શાકભાજી હોય, કરીયાણાની વસ્તુ હોય મોટા ભાગે ઝભલામાં લાવે છે. ગૃહિણીઓ બાદમાં એ જ ઘરમાં પડેલા ઝભલામાં સુધારેલા શાકભાજીના કટકા, સહિત અન્ય ફેંકવાની વસ્તું નાંખીને ફેંકે છે. જે ઝભલાંમાં રહેલા ખાદ્યપદાર્થ ગાયો આરોગવા જાય અને સાથે ઝભલાંને પણ આરોગે છે જેથી ગાયોનું ટૂંકા ગાળામાં મૃત્યુ પામે છે.
આ કાર્ય મને ખૂબ જ ગમ્યું છે અને હું કાર્યથી સંતુષ્ઠ છું. આ કાર્યથી જોડાવા માગું છું. આ કાર્યમાં ગમે તે રીતે થશે મારી રીતે હું પૂર્ણ રીતે મદદ કરવા તૈયાર છું. આ જાગૃતિ કેળવવાની બહુ જરૂરી હતું અને આજે કાર્ય અત્યારે થઈ રહ્યું છે. બહુ સારી રીતે થયું છે. આમાં પૂરેપૂરી સહભાગી થવા તૈયાર છું. અહીંયા મારું બહુ મોટું ગ્રુપ છે. હું આના માટે ખૂબ તનમનથી સેવા કરવા તૈયાર છું. ગૃહિણીઓને ઝભલાં ન વાપરે અને આ જે કાર્ય કર્યું છે એમાં પૂરેપૂરો સપોર્ટ કરે અને ઝભલાં વાપરવાનું બંધ કરે અને ગૌમાતાને આપણે બચાવીએ...હીનાબેન મનોજભાઈ પંડયા ( સ્થાનિક )
50 ઝભલાં આપો અને કાપડની થેલી લઈ જાવ : ભાવનગરની તપસી બાપુની વાડીથી એક અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે આરંભ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનના દિવ્યાંશુભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.
આમ તો એવું નક્કી કર્યું છે કે 50 ઝભલાં આપી જાય અને એક થેલી લઈ જાય, જેથી કરીને ગાયનો જીવ બચે અને રસ્તા ઉપર પણ જો ગટરના ઢાંકણામાં કે એમાં જતા રહેતા હોય તો ગટર ચોકઅપ થઈ જાય છે. જમીન ઉપર પડે છે ઝભલાનો નાશ થતો નથી. પાણી અંદર ઉતરતું નથી અને ભૂગર્ભ જળ છે એની સપાટી ઘટી જાય છે. પર્યાવરણને આપણાથી વધારે નુકસાન થતું જાય છે. પ્લાસ્ટિકની સાથે અત્યારે જે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે એનું મુખ્ય કારણ પ્લાસ્ટિક છે. આપણે ઘણું બધું પ્લાસ્ટિક ખૂબ જ ઉપયોગ કરીયે છીએ. આપણા જીવનમાં પ્લાસ્ટિક આમ વણાઈ ગયું હોય ને એવું લાગે છે. હવા જેવું વણાઈ ગયું છે કે પ્લાસ્ટિક વગર ચાલતું જ નથી. એમાં જ આપણે પાણી પીએ છીએ, ઘણું બધું કરીએ છીએ. દૂધ આવે છે, દહીં લઈએ છીએ, ગરમ ગરમ નાસ્તા પણ આપણને પ્લાસ્ટિકમાં આપે છે તો એ બહુ નુકસાન કરે છે. એના એક ભાગરૂપે કંઈક જાગૃતિ લઈ આવીએ આ લોકો જાગૃત થાય. સરકાર પણ થોડાક કાયદા કડક બનાવીને એવો પ્રયત્ન કરે તો આપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ બને એટલું ઘટાડી શકીએ...દિવ્યાંશુ ત્રિવેદી ( સંચાલક, આરંભ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ )
સરકારે પણ જાગૃત થવાની જરૂર : નાગરિક મધુસુદન સરવૈયાએ જણાવ્યું હતું કે પર્યાવરણને પ્લાસ્ટિકના ઝભલાં તેને જબરદસ્ત નુકસાન કરે છે, એને માટે આજે કાપડની થેલીઓ આપે છે સંસ્થા, એ ખૂબ સારું કામ છે અને ખરેખર જરૂરી છે. દરેક નાગરિકે જાગૃત થવાની જરૂર છે. સરકારે પણ જાગૃત થવાની જરૂર છે. કાયદા કરે છે પણ કાઈ કરી નથી શકતાં.