ભાવનગર : રાજ્યમાં ચોમાસું માથે છે. ત્યારે રાજ્યના સિંચાઇ વિભાગ દ્વારા ચેકડેમના રીપેરીંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં બનેલા ચેકડેમમાં રીપેરીંગ અને નવા ચેકડેમ બનાવવાની પ્રક્રિયા થતી હોય છે. ત્યારે વર્ષ 2024 ના ચોમાસાને પગલે સિંચાઈ વિભાગ પાસે કેટલા ચેકડેમ છે અને શું કામગીરી થઈ ચાલો તે જાણીએ...
ભાવનગરના ચેકડેમ : ગુજરાત રાજ્યના સિંચાઇ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં કુલ 9,495 ચેકડેમ બાંધવામાં આવ્યા છે. ગત વર્ષ 2023-24 દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા કુલ 7 નવા ચેકડેમ 94.32 લાખના ખર્ચે બનાવવામાં આવ્યા હતા. 2024માં ચોમાસુ માથે હોવાથી રીપેરીંગ અને નવા ચેકડેમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગતવર્ષે 35 જેટલા જ ચેકડેમનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું અને 7 જેટલા નવા ચેકડેમ બનાવવામાં આવ્યા હતા. આ ચેકડેમો ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ ફાયદાકારક રહેતા હોય છે.
ચેકડેમનું રીપેરીંગ કામ : ભાવનગર બહુમાળી ભવન ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરી પાસેથી મળેલી માહિતી મુજબ ચાલુ વર્ષે 9 જેટલા ચેકડેમનું કામ પ્રગતિમાં છે. સિંચાઈ વિભાગના અધિકારી એચ. એન. સરવૈયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષમાં ચેકડેમની વાત કરીએ તો ચેકડેમમાં 94 લાખના ખર્ચે સાત નાના-મોટા ચેકડેમ પૂરા કર્યા અને 12 ચેકડેમના રીપેરીંગની કામગીરી પ્રગતિમાં છે.
ચાલુ વર્ષના નિર્માણાધીન ડેમ : મોટા ડેમની વાત કરીએ તો સિંચાઈ વિભાગની કચેરી હેઠળ છ મોટા ડેમ છે. જેમાં કાળુભાર રંઘોળા, પિંગળી વગેરે ડેમોમાં રૂટીન મેન્યુઅલ મેન્ટેન્સને લગતી કામગીરી કરવામાં આવે છે. જેમાં 7 ચેકડેમ 94 લાખના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ વર્ષે રુ. 1.71 કરોડનો એક મોટો ચેકડેમ રતનપર ખાતે પ્રગતિમાં છે. સાથે જ બીજા આઠ નવા ચેકડેમ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે.
વિકાસને મળશે વેગ : રાજ્યની સિંચાઈ વિભાગની કચેરી અંતર્ગત ભાવનગર જિલ્લામાં નવ ચેકડેમ બની રહ્યા છે. આ ચેકડેમની કામગીરી હાલ પુરજોશમાં છે. સિંચાઇ અધિકારી એચ. એન. સરવૈયાએ જણાવ્યું હતું કે, નવ ચેકડેમ હાલમાં બની રહ્યા છે, ત્યારે આ ચેકડેમ હાલના ચોમાસા પહેલા પૂર્ણ થઈ શકે તેમ નથી. તેની કામગીરી હાથ ઉપર છે, એટલે કે આવતા વર્ષ પહેલા નવા નવ ચેકડેમ બનવાથી 48,000 હેક્ટર જમીનને સીધો લાભ મળી શકે છે.