સુરત : કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવા પાછળ તેમની ભૂમિકા હોવાનો આક્ષેપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો છેલ્લા બે-ત્રણ દિવસથી કરી રહ્યા છે. લોકોનો રોષ પારખીને નિલેશ કુંભાણી સુરત છોડી બહારગામ નીકળી ગયા છે. ત્રણ દિવસ પછી તેમના પત્ની ઘરે આવ્યા છે. ત્યારે કોંગ્રેસ-આપના કાર્યકર્તાના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નિલેશ કુંભાણી સામે વિરોધ : ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિલેશ કુંભાણી માટે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ નિલેશ કુંભાણી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ એક દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘરના ગેટ પર 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' સહિતના લખાણવાળા પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.
નિલેશના પત્ની ઘરે પરત આવ્યા : હાલ નિલેશ કુંભાણીના પત્ની ઘરે આવતા પોલીસે તકેદારીના ભાગરૂપે તેમના બિલ્ડીંગ નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. નિલેશ કુંભાણીના પત્ની ઘરે પહોંચતા તેમનું ઘર ત્રણ દિવસ બાદ ખુલ્યું હતું. જોકે નિલેશ કુંભાણી ક્યાં છે તે અંગે કોઈ જાણકારી નથી. નિલેશ હાલ કોંગ્રેસના નેતાઓના સંપર્કથી બહાર છે. પત્નીને અમદાવાદ જવાનું કહી તેઓ ઘરેથી નીકળ્યા હતા. જોકે હાલ શહેરભરમાં ભારે વિરોધને ધ્યાનમાં રાખી ઘરની નીચે સરથાણા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ઘર બહાર પોલીસ બંદોબસ્ત : સરથાણા પોલીસ સ્ટેશનના PI એ. કે. ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી બિલ્ડિંગમાં રહેતા લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન થાય.