નવસારી : વલસાડ લોકસભા બેઠક જીત્યા બાદ ભાજપના ઉમેદવાર અને સાંસદ ધવલ પટેલ આજે પોતાના મૂળ વતન વાંસદાના ઝરી ગામે પહોંચ્યા હતા. અહીં પરિવારજનો સાથે કુળદેવીની પૂજા કરી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ધવલ પટેલે નવસારીના સુપ્રસિદ્ધ ઉનાઈમાં ઉષ્ણ અંબા માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
નવા ચૂંટાયેલા સાંસદ ધવલ પટેલ : લોકસભા ચૂંટણીમાં 26 વલસાડ લોકસભા બેઠક જે જીતે એની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે. ત્યારે 26 વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના આંદોલનકારી નેતા અનંત પટેલ સામે ભાજપે IT એક્સપર્ટ અને યુવા નેતા ધવલ પટેલને મેદાને ઉતાર્યા હતા. ટફ ગણાતી આ ફાઈટમાં ભાજપના ધવલ પટેલે સંગઠન શક્તિના બળે વલસાડ લોકસભા બેઠક 2.10 લાખથી વધુ મતો મેળવીને કોંગ્રેસના અનંત પટેલને પછાડ્યા છે.
વતન પહોંચ્યા ધવલ પટેલ : ગતરોજ જીત મેળવ્યા બાદ આજે ધવલ પટેલ પોતાના મૂળ વતન એવા વાંસદા તાલુકાના ઝરી ગામે પહોંચ્યા હતા. અહીં પરિવાર અને કુટુંબીજનો સાથે ધવલ પટેલે કુળદેવી ભવાની માતાની પૂજા કરી કુટુંબીજનો તેમજ ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. પોતાના ગામનો દીકરો જંગી બહુમતી સાથે વિજય બની દિલ્હીમાં ગામ અને વલસાડ લોકસભાનું નેતૃત્વ કરશે એ વાતની ખુશીથી ઝરીના ગામ લોકો ઝૂમી ઉઠ્યા હતા.
ગ્રામજનોને ઉજવણી કરતા કેમ રોક્યા ? ભાજપે કોઈ ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યાં ગામનો દીકરો દિલ્હી જઈ રહ્યો હોવાની ખુશી ગામ લોકો રોકી શક્યા નહીં અને આદિવાસી વાદ્યો સાથે આદિવાસી નૃત્ય કરી ખુશી વ્યક્ત કરી હતી. જોકે ભાજપી નેતા ધવલ પટેલે તમામને સમજાવી રાજકોટની ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ પોતાની ખુશી 2027 ની વિધાનસભા ચૂંટણી માટે દર્શાવી અત્યારથી જ મંડી પડવાની અપીલ કરી હતી. સાથે જ વાંસદા સહિતના ડુંગરાળ પ્રદેશોમાં પાણીની સમસ્યાનો નિરાકરણ લાવવા કેન્દ્ર અને રાજ્યની સરકાર સાથે યોગ્ય આયોજન કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
ઉષ્ણ અંબા માતાના દર્શન કર્યા : ધવલ પટેલની માતાએ પણ નાનકડા ગામનો દીકરો સાંસદ બની દિલ્હી જઈ રહ્યો છે, ત્યારે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કુટુંબીજનો અને ગ્રામજનોની મુલાકાત બાદ ધવલ પટેલે વાંસદાના ઉનાઈ ખાતે આવેલા પ્રસિદ્ધ ઉષ્ણ અંબા માતાજીના મંદિરે શિશ ઝુકાવ્યું હતું. ધવલ પટેલે પરિવાર સાથે માતાજીની મંત્રોચ્ચાર કરી પૂજા કરી વાંસદા સહિત વલસાડ લોકસભાના વિકાસ માટે સક્ષમતાથી કાર્ય કરતા રહે એવી પ્રાર્થના કરી, માતાજીના આશીર્વાદ લીધા હતા.