ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત માટે ન્યૂઝીલેન્ડના ભારત સ્થિત હાઇકમિશનર પેટ્રિક રાટા તેમના પ્રતિનિધિ મંડળ સાથે મળ્યા હતા. તેમણે ન્યૂઝીલેન્ડ-ભારત-ગુજરાતના પરસ્પર સંબંધોને મહત્વપૂર્ણ રીતે આગળ ધપાવવાની દિશામાં ગુજરાતની આર્થિક, ઔદ્યોગિક પ્રગતિ સહિત સર્વાંગી વિકાસની વિગતો જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસના રોડ મોડલ તરીકે ગુજરાતે મેળવેલી પ્રતિષ્ઠા અંગેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હવે ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાનું છે તેમાં ગુજરાત અગ્રિમ યોગદાન આપવા સજ્જ છે.
મુખ્યમંત્રી સાથે હાઇકમિશ્નરે વિચાર વિમર્શ કર્યો: આ દરમિયાન મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન ન્યુઝીલેન્ડ હાઇકમિશ્નરે ગુજરાતની આર્થિક સ્થિતિઓ અંગે જાણવા તેમજ કૃષિ, ડેરી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહયોગ અને રોકાણની તકો અંગે વિચાર વિમર્શ કર્યો હતો. પેટ્રિક રાટાએ ન્યુઝીલેન્ડ અને ભારતના વચ્ચેના તાજેતરના ટેકનિકલ આદાન-પ્રદાન સહિત ડેરી ક્ષેત્રો વચ્ચેના સતત સહયોગી પ્રયાસોને આવકાર્યા હતા. તેમજ આ સહયોગ, હજુ વધુ મજબૂત બનીને નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ખાસ કરીને ઇનોવેશન્સ, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વિષયોમાં ગુજરાતમાં રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.
ન્યુઝીલેન્ડને રાજ્ય સરકારનો સહયોગ આપશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત દ્વારા ન્યૂઝીલેન્ડને સહયોગ આપવાની ખાતરી આપતાં કહ્યું કે, ગિફ્ટ સિટીમાં અન્ય રાષ્ટ્રોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝ કાર્યરત છે. ગુજરાત સાથે એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેક્ટરમાં ન્યૂઝીલેન્ડ જોડાઈને ગિફ્ટ સિટીમાં પોતાની શૈક્ષણિક સંસ્થા શરૂ કરવા માંગે તો રાજ્ય સરકાર સહયોગ આપશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીની સાથે ન્યૂઝીલેન્ડના હાઈકમિશનરની આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, OSD એ.બી.પંચાલ, ઇન્ડેક્ષ્ટ-બીના એમ.ડી. ગૌરાંગ મકવાણા વગેરે જોડાયા હતા.