દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને છે વરસી રહ્યા છે, હાલ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે દ્વારકામાં વરસાદની જોરદાર બેટિંગ બાદ છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. અતિ ભારે વરસાદી માહોલના કારણે અસંખ્ય ઘરોમાં કેડસમા પાણી ભરાયા છે તે બાબતને ધ્યાનમાં રાખી અને આગામી વરસાદી આગાહીને પગલે તંત્ર દ્વારા NDRFની ટીમોને વધુ સક્રીય કરવામાં આવી છે.
જિલ્લાના ભાટિયા ગામ ગામ પાસે એક કારમાં બે લોકો તણાઈ જતા NDRFની ટીમ દ્વારા આબાદ રીતે બચાવ કરવામાં આવ્યો હતો. હાલની દ્વારકાની પરિસ્થિતિને જોઈ એક NDRFની ટીમ રાવલ ખાતે મૂકવામાં આવેલ છે જ્યારે ભારે વરસાદની આગાહી ના ભાગરૂપે બીજી ટીમ ને ખંભાળિયા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
દેવભૂમિ દ્વારકા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં ખાબકેલા ભારે વરસાદના પગલે શનિવારે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. શનિવારે 18 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. આ સાથે કેટલાંક ઘરોમાં 2 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા NDRFની ટીમને કામે લગાડવામાં આવી હતી. હાલ દ્વારકામાં આ સીઝનનો કુલ 35 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિ સામે તંત્ર એક્શન મોડમાં છે.
દ્વારકાના અલગ-અલગ વિસ્તારમાં જેમ કે ગુરુદ્વારા, ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારમાં બે થી ચાર ઇંચ સુધીના પાણી ભરાતા લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો છે. દ્વારકાના ઘણા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. જિલ્લાના રાવલ ગામ બાદ ખંભાળિયામાં NDRFની બીજી ટીમને તૈનાત કરવામાં આવી છે.